પાદરાના મૂજપૂર ખાતે પૂલ તૂટી પડવાની ઘટનાના બીજા દિવસે બચાવ કામગીરી જારી રાખવામાં આવી હતી. છેલ્લા ૩૬ કલાકથી પણ વધુ સમયથી સમગ્ર તંત્ર ખડે પગે રહી આ કામગીરી કરી રહ્યું છે. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
બીજા દિવસે સઘન ઓપરેશન દરમ્યાન સાંજ સુધીમાં છ મૃતદેહો મળી આવતા હતભાગીનો આંક ૧૮ થયો છે. ઓળખ મળી હોય એવા બે વ્યક્તિની શોધખોળ ચાલુ છે.
સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રકની મદદથી વાહનો કાઢવામાં આવ્યા
હિટાચી મશીન, બુલ ડોઝર ઉપરાંત આજે સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પણ મંગાવવામાં આવ્યા હતા. ૨૦૦૦ Torque ના આ ટ્રક વડે ફસાયેલા વાહનોને ખેંચવામાં આવ્યા હતા.
મહી નદીમાં પૂનમની ભરતી અને ઓટ વિઘ્ન રૂપ બન્યા
પૂનમના કારણે મહી નદીમાં આવતી ભરતી અને ઓટ પણ વિઘ્ન રૂપ બન્યા હતા. તેના કારણે નદીમાં કિચડનું પ્રમાણ વધ્યું હતું. જેને કારને રેસ્ક્યુ ટીમો ને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ,છતા આધુનિક સંસાધનો ની મદદથી વાહનો બહાર કાઢવા તથા હતભાગીઓની શોધખોળ જારી રાખવામાં આવી હતી. આ બાબતને ધ્યાને રાખી આજે ત્યાં ત્રણેક ડમ્પર જેટલું વેટ મિક્સ લાવવામાં આવ્યું હતું અને મહી નદીની અંદર પાથરવામાં આવ્યું હતું.
લોડેડ ટ્રકને ખેંચવા જતા એક વાયર તૂટ્યો
મહી નદીની અંદર ફસાયેલા વાહનોને કાઢવામાં crain ઉપરાંત સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પાછળ વાયરો બાંધી ખેંચવામાં આવ્યા હતા. કીચડમાં ખૂચેલા અને લોડેડ ટ્રકને ખેંચવા જતા એક વખત વાયર પણ તૂટી ગયો હતો.
રેસ્ક્યુ ટીમો ની સાથે યુવા સંગઠનોએ બજાવ્યો સેવા ધર્મ
બચાવ એજન્સીઓ ઉપરાંત પોલીસ, આરોગ્ય અને મહેસુલી તંત્રની કામગીરી નોંધપાત્ર છે. આ ઉપરાંત આસપાસ આવેલી કંપનીઓ અને યુવા સંગઠનો પણ સેવા ધર્મ બજાવી રહ્યા છે. આ કંપનીઓ અને સંગઠનો દ્વારા ભોજન, પાણી પૂરા પાડવા આવે છે.
આ લખાય છે ત્યારે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જે બામણ ગામના દિલીપભાઈ પઢિયાર હોવાની ઓળખ થઈ છે. આ મૃતદેહ મળવા સાથે કુલ મૃત્યુઆંક 18 થયો છે.





