Navrangpura Fraud call center : અમદાવાદના નવરંગપુરામાં છેલ્લા છ મહિનાથી ધમધમીને ચાલતું એક મોટું ફ્રોડ કોલસેન્ટર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. આ કોલસેન્ટર વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓને નિશાન બનાવી છેતરપિંડી કરતા હતા. પોલીસે કુલ 24 આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાંથી મુખ્ય સૂત્રધાર અભિષેક રામનારાયણ પાઠક સહિત 4 આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જોકે કોર્ટએ 2 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે.
ગુપ્ત માહિતીના આધારે પોલીસે રેડ પાડી હતી
નવરંગપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહને મળેલી વિશ્વસનીય જાણકારી આધારે પોલીસની ટીમે સ્થળ પર ચકાસણી કરી હતી. રેડ દરમિયાન ત્યાં કુલ 24 વ્યક્તિઓ કામ કરતા જોવા મળ્યા. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે આ કોલસેન્ટર કેનેડા, અમેરિકા અને યુરોપિયન દેશોમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયોને ટાર્ગેટ કરતું હતું.
દવાઓ મોકલવાની લાલચ
આ લોકો વિદેશી નાગરિકોના મોબાઇલ નંબર મેળવી તેમને ફોન કરતા અને કહેતા કે તેઓ ભારતીય બનાવટની આયુર્વેદિક અથવા અન્ય દવાઓ બજાર ભાવ કરતાં ઓછી કિંમતે મોકલી આપશે. ગ્રાહકોને તેમની રિક્વાયરમેન્ટ મુજબ એડવાન્સ પેમેન્ટ ભરાવી લેવામાં આવતું. પેમેન્ટ પછી કેટલાક કિસ્સામાં ખોટી અથવા નબળી ગુણવત્તાની દવાઓ મોકલી દેતા. અનેક કિસ્સાઓમાં દવાઓ મોકલવામાં જ આવતી ન હતી. આ છેતરપિંડીમાં 100 થી 800 ડોલર સુધીના પેકેજ ઓફર કરવામાં આવતા હતા. આ સમગ્ર રેકેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે ચલાવવામાં આવતો હતો.
(મુખ્ય સૂત્રધાર)
5 મહિલા આરોપીઓને જામીન પર મુક્ત કરાઈ
મુખ્ય સૂત્રધાર આરોપી અભિષેક રામનારાયણ પાઠક સમગ્ર સ્કેમ ચલાવતો હતો. તેની ટીમમાં બીજા 23 લોકો રાખવામાં આવ્યા હતા. કુલ 24માંથી 15 આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે. 5 મહિલા આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અભિષેક પાઠક સાથે જોડાયેલા મેનેજર સહિત 4 મુખ્ય લોકો રિમાન્ડ પર છે.
પોલીસે સઘન તપાસ હાથધરી
પોલીસ હવે તપાસ કરી રહી છે કે, આ પ્રાઇવેટ કંપનીના નામે ચાલતા રેકેટ પાછળ કોઈ ડોક્ટર, ફાર્મસી કંપની અથવા અન્ય વ્યક્તિઓ જોડાયેલા હતા કે કેમ. આરોપીઓના બૅન્ક એકાઉન્ટ, ટ્રાન્ઝેક્શન હિસ્ટરી, તથા અન્ય બેગ્રાઉન્ડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. કોલસેન્ટર કેટલો સમયથી ચાલી રહ્યું હતું અને અન્ય ક્યાં–ક્યાંથી ઓપરેટ થતું હતું તેનો પણ તપાસનો ભાગ છે.






