Home Gujarat A Terrible Accident Occurred On Balolnagar Bridge In Ahmedabad

અમદાવાદમાં કાળમુખી કારે છીનવ્યો દંપતીનો સાથ : બલોલનગર બ્રિજ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

અમદાવાદમાં કાળમુખી કારે છીનવ્યો દંપતીનો સાથ
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 10:17 AM IST

અમદાવાદમાં ફરી એકવાર ટ્રાફિક બેદરકારી અને કોર્પોરેશનની અવ્યવસ્થાના કારણે એક યુવકનો જીવ ગયો છે. શહેરના બલોલનગર બ્રિજ પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક્ટિવા પર જઈ રહેલા પતિ-પત્ની અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકનું મોત થયું છે, જ્યારે તેની પત્ની ઇજાગ્રસ્ત થઈ છે.

જનતાનગરમાં આવાસ યોજનાના મકાનમાં રહેતા 28 વર્ષના કિશન વછેટા પોતાની પત્ની કોમલ સાથે બલોલનગરથી ન્યૂ રાણીપ થઈ ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બલોલનગર બ્રિજ પર પાછળથી પૂરઝડપે આવેલા એક ફોર વ્હીલર ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કિશન વછેટા બ્રિજ પરથી નીચે પટકાયા હતા.

બ્રિજ પરથી નીચે પડતા કિશનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બીજી તરફ, તેમની પત્ની કોમલને કમરના ભાગે ઇજા પહોંચી હતી અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટનાને લઈને મૃતકના મિત્રોએ અને પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનો આરોપ છે કે જો બ્રિજ પર સુરક્ષા માટે પતરા કે ઝાળી લગાવવામાં આવી હોત તો કિશનનો જીવ બચી શક્યો હોત. વધુમાં, બ્રિજ પર લાગેલા CCTV કેમેરા બંધ હોવાના કારણે આરોપી વાહનચાલકની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઘટનાની જાણ થતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now