વિશ્વમાં ફરી કોરોનાએ માથું ઉચકયું છે. ત્યારે ભારતના 11 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. દેશમાં 164 નવા કેસ નોંધાયા છે અને કુલ 257 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ સામે આવ્યા છે. જે તમામ અમદાવાદમાં નોંધાયા છે. તમામ દર્દી ઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનો સંપર્ક કરીને તેમના પણ આરોગ્યની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કેસને ધ્યાનમાં લઈ તકેદારીના ભાગરૂપે 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં 20 બેડનો ખાસ વોર્ડ તૈયાર
રાજકોટમાં હજુ સુધી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. પરંતુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આઇસોલેશન વોર્ડ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ તૈયાર કરી દેવામાં આવી છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં પીપીઈ કીટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. જરૂર પડશે તો 200 બેડનો વોર્ડ તાત્કાલિક ઉભો કરવામાં આવશે.





