Surendranagar Accident : સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી નજીક નાવીયાણી પાટીયા પાસે ભયાવહ અકસ્માતમાં ત્રણ યુવકોનું મોત નીપજ્યું છે. બાઇક સવાર ત્રણેય યુવકોને અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી ભાગી છૂટ્યા હતા.
બાઇકને ફંગોળી અજાણ્યો વાહનચાલક ફરાર
અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ ત્રણેય યુવકો રોડ પર પટકાયા અને તેમના શરીરના છુંદા નીકળી ગયા હતા. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્રણેય મૃતદેહોને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
બાઇકને ટ્રેલરે ટક્કર મારી!
પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. માલવિયા અનુસાર, પ્રાથમિક તપાસમાં બાઇકને ટ્રેલરે ટક્કર મારી હશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અજાણ્યા વાહનચાલકને શોધવા માટે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મૃતક ત્રણેય લોકો એરવાડા ગામના હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ પોલીસ આરોપી ડ્રાઈવર સુધી પહોંચવા માટે તપાસને વધુ વેગ આપી રહી છે.






