Ahmedabad Crime News : અમદાવાદના સરખેજ વિસ્તારમાં નાનકડી બાબત મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ અને એક યુવકનો જીવ લઈ ગઈ. 7 ડિસેમ્બરની રાત્રે સરખેજના ફતેવાડી પાસે આવેલી સવેરા હોટલ પાસે 32 વર્ષીય જાવેદ મહીડા પોતાની રિક્ષા લઈને બેઠો હતો. ત્યારે ત્યાં સાજીદ નામનો વ્યક્તિ આવ્યો અને જાવેદ પાસે સિગારેટ માંગી. જાવેદે સિગારેટ આપવા મનાઈ કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ અને વિવાદ વધુ ઉગ્ર બનતા સાજીદે છરી કાઢી અને જાવેદના સાથળના ભાગે ઈજા પહોંચાડી.
સિગારેટ ના આપતા છરી મારી અને ગયો જીવ
છરીના ઘાએ લોહીલુહાણ બનેલા જાવેદ બુમાબુમ કરતા ત્યારે આસપાસના લોકો ભેગા થઈ ગયા અને હનીફ નામના વ્યક્તિએ બંનેને અલગ પાડ્યા હતા. ગંભીર રીતે ઘાયલ જાવેદે તાત્કાલિક પોતાના બનેવીને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી. જાવેદનો બનેવી સ્થળ પર પહોંચ્યો ત્યારે જાવેદ ગંભીર હાલતમાં હતો. તેને તરત જ તેની જ રિક્ષામાં બેઠાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો. રસ્તા દરમિયાન જાવેદ સતત હુમલો કરનાર સાજીદનું નામ બોલતો રહ્યો.
પોલીસે સાજીદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી
સારવાર દરમિયાન જાવેદનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સરખેજ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પોલીસે સાજીદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના બાદથી સાજીદ ફરાર છે. નોંધપાત્ર છે કે સાજીદ વિરુદ્ધ અગાઉ મારામારી અને હુમલા જેવા ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે.






