Ahmedabad Vasna news: અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરની સિદ્ધિ વિનાયક બિલ્ડિંગમાં ગુરુવારે સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. અજાણી યુવતીએ બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ, યુવતી સાંજે લગભગ 5:45 વાગ્યે બિલ્ડિંગમાં દાખલ થઈ હતી. તેણે સિક્યોરિટી રજિસ્ટરમાં પોતાનું નામ સ્પષ્ટ રીતે લખ્યું ન હતું અને જે ઓફિસમાં જવાનું કારણ દર્શાવ્યું હતું તે ઓફિસ પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે. ગણતરીની મિનિટોમાં જ યુવતી ઉપરના માળે પહોંચી અને પાંચમા માળેથી કૂદી પડી હતી.
ઓળખપત્ર કે સ્યુસાઇડ નોટ મળી નથી
યુવતી પાસેથી હજુ સુધી કોઈ ઓળખપત્ર કે સ્યુસાઇડ નોટ મળી આવી નથી. તે કયા હેતુથી અને કોને મળવા આવી હતી તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં યુવતી એકલી જ દાખલ થતી અને ઉપર જતી દેખાઈ રહી છે. વાસણા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીની ઓળખ ઉઘાડી પાડવા અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસની ટીમ સક્રિય થઈ છે.






