ગાંધીધામ શહેરના ટાગોર રોડ ઉપર મોડી રાત્રે નબીરાઓની બેફામ ગતિએ ફરી એકવાર શહેરને હચમચાવી દીધું છે. એક કાર ચાલકે બેફામ ઝડપે વાહન ચલાવતા ચાર લોકોને હડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં બેના મોત
આ અકસ્માતમાં મૃતક તરીકે કલ્પેશ સુમારભાઈ મહેશ્વરી અને ભાવિક ભાણજીભાઈ મહેશ્વરીના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો અને તેને માર માર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કાર ચાલકને લોકોએ માર મારતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
પોલીસે ગુનો નોંધ્યો
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે કારમાં ચાલક સાથે ત્રણ અન્ય નબીરા પણ હાજર હતા, જે ઘટના બાદ કારમાંથી ઉતરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ, તેમજ અકસ્માતના તમામ પાસાઓની ગંભીર તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમાજના લોકો આદિપુર રામબાગ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને તમામ આરોપીઓ ઝડપાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય લીધો હતો. સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તમામ આરોપીઓને ઝડપથી પકડીને કડકમાં કડક સજા આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ગાંધીધામમાં છેલ્લા કેટલાક સમયથી હિટ એન્ડ રન તેમજ નબીરાઓની બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આવી ઘટનાઓએ શહેરની સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરના લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની સાથે પોલીસ તંત્ર દ્વારા પણ કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે.




















