Zanzari Waterfall: અમદાવાદની ભાગદોડથી થોડું દૂર, શહેરના ગજબના શોરથી પર, એક એવી જગ્યા આવેલી છે જે જાણે પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ સમાન છે. અહીં નથી પોલીસ, નથી કોઈ સિક્યોરિટી, અને નથી દૂર દૂર સુધી CCTV કેમેરાનો નામોનિશાન. આ સ્થાન છે ઝાંઝરી વોટરફોલ, એક એવી અવાવરું જગ્યા જ્યાં માત્ર કુદરતી વાતાવરણ સંગીત અને નદીના પાણીનો ઘુંઘરાવતો અવાજ તમને સાંભળવા મળે છે. આ સિવાય અહીં અજંપાભરી નિરવ શાંતિ હોય છે. અહીં દૂર દૂર સુધી તમને ડિસ્ટર્બ કરવા માટે કોઈ નથી હોતું. એજ કારણ છેકે, અહીં પ્રેમી પ્રખિડાઓ પડ્યા પાથર્યા રહે છે. પરંતુ જેટલી આ જગ્યા શાંતિ છે અવાવરું હોવાને કારણે આ જગ્યા એટલી જ ખતરનાક પણ છે.
ઝાંઝરી વોટરફોલ અમદાવાદથી કેટલે દૂર?
ઝાંઝરી વોટરફોલ અમદાવાદથી આશરે 80 કિ.મી. દૂર અરવલ્લી જિલ્લામાં, બાયડ તાલુકાના ડાભા ગામની નજીક, વાત્રક નદીના કિનારે આવેલો છે. આસપાસ ઊંચા ટેકરીઓ, ઘન જંગલ અને પથ્થરો વચ્ચે વહેતો આ ધોધ કુદરતપ્રેમી અને શાંતિ શોધનારા પ્રવાસીઓ માટે એક અદભૂત સ્થળ છે. ખાસ કરીને પ્રાઈવસી ઇચ્છતા લવ બર્ડ્સ, નવું લગ્ન કરેલા કપલ્સ અને ફ્રેન્ડ્સ ગ્રૂપ અહીં આવે તો જાણે ફિલ્મના કોઈ રોમેન્ટિક સીનમાં પ્રવેશી ગયા હોય એવો અહેસાસ થાય છે.
ધોધના પાણીની અનેક દુર્ઘટના
તેમ છતાંય, આ સ્થાન જેટલું આકર્ષક છે એટલું જ જોખમી પણ માનવામાં આવે છે. ધોધની ઊંચાઈ, પથ્થરો પરની સ્લીપરી સપાટી અને પાણીનો તેજ વહાવને કારણે અહિં અનેક દુર્ઘટનાઓ ઘટી ચૂક્યાં છે. તેથી અહીં આવતા સહેલાણીઓને ખાસ સલાહ આપવામાં આવે છે કે તેઓ ધોધની નીચે ન્હાવાનો પ્રયાસ ન કરે અને દરેક ક્ષણે સતર્ક રહે. આ વિસ્તાર અત્યંત અવાવરું હોવાથી કોઈપણ ઇમરજન્સીમાં મદદ સમયસર મળી ન શકે તેવી શક્યતા રહે છે.
ઝાંઝરી વોટરફોલ સુધી કેવી રીતે પહોંચવું?
અમદાવાદથી ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડા, દહેગામ અને બાયડ તરફ જતા માર્ગ પરથી સરળતાથી અહીં પહોંચી શકાય છે. પાર્કિંગ સ્થળેથી ધોધ સુધી પહોંચવાનું અંતર લગભગ 2 થી 2.5 કિ.મી. છે. આ રસ્તો તમે ચાલીને પણ કાપી શકો છો, પરંતુ પથ્થરો અને જંગલ વચ્ચેથી ઉંટસવારી કરીને ઝરણાં સુધી પહોંચવાનું રોમાંચ કંઈક અલગ જ છે. ખાસ કરીને વહેલી સવારે અહીં પહોંચો તો કુદરતની તાજગી અને ઠંડા પવનનો આનંદ દોગણો વધી જાય છે.
ઝાંઝરી વોટરફોલ ડે ટુર
ઝાંઝરી વોટરફોલથી આશરે 15 કિ.મી. દૂર આવેલું ઉંટળીયા મહાદેવનું પ્રાચીન મંદિર પણ મુલાકાત લાયક છે. આ પૂણ્યસ્થળ સુધીની સફર પણ જંગલ અને કુદરતી સૌંદર્યોથી ભરપૂર છે, એટલે ઝાંઝરીની ટ્રિપને એક સંપૂર્ણ ડે ટૂર તરીકે માણી શકાય.
ઝાંઝરી વોટરફોલ કેવા લોકો માટે ઉત્તમ?
સારાંશમાં, ઝાંઝરી વોટરફોલ એવા લોકો માટે ઉત્તમ સ્થળ છે જેઓ એકાંત, શાંતિ અને કુદરતના સાનિધ્યમાં થોડો સમય વિતાવવા ઇચ્છે છે. પરંતુ સાથે જ અહીંની જોખમી પરિસ્થિતિને સમજવી અને પૂરતી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. એક યોગ્ય આયોજન અને સતર્કતા સાથે તમે આ સ્થળનો રોમાંચ અને સૌંદર્ય બંનેનો સુરક્ષિત આનંદ લઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અમે આને માત્ર પ્રવાસન સ્થળ તરીકે જોઈએ છીએ. બીજી કોઈ ખરાબ પ્રવૃત્તિને Offbeat Stories પ્રોત્સાહન આપતું નથી.)






