મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ 2047ને ગ્રામ્ય સ્તર સુધી સાકાર કરવામાં જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા પાયાની અને મહત્વપૂર્ણ ગણાવી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ ગ્રામોત્થાનથી વિકસિત ભારત સંકલ્પ પાર પાડવા માટે ગામોને અદ્યતન સુવિધાઓ આપીને વિકાસની હરોળમાં તેજ ગતિએ જોડવાની નેમ રાખી છે. જિલ્લા વિકાસ અધિકારીઓની યુવા ટીમ આ માટે ગ્રામીણ અને ગરીબ જરૂરિયાતમંદ લોકોને આજીવિકા, આવાસ, આયુષ્માન ભારતથી આરોગ્ય સેવાઓ, શૌચાલય, સ્વચ્છતા જેવી અનેક જન કલ્યાણ યોજનાઓ પહોંચાડવા માટે સેવા ભાવના કેળવીને નેતૃત્વ કરે તે આવશ્યક છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં યોજાયેલી જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકઓની સંયુક્ત પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કર્યું હતું. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ પંકજ જોશી આ બેઠકમાં જોડાયા હતા.મુખ્યમંત્રીએ ગામતળ નીમ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ આ પરિષદમાં કર્યું હતું. તેમણે આ અંગે જણાવ્યું કે, આ પ્લેટફોર્મ કાર્યરત કરવાથી ગ્રામીણ વિસ્તારોમાં પ્લોટ ફાળવણી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શી થવાથી આવાસ નિર્માણ યોજનાઓના લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકશે.

મુખ્યમંત્રીએ જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ગ્રામીણ જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવનારી કલ્યાણ યોજનાઓના અમલની મોટી જવાબદારી અને તેને સફળ કરવાની તક જિલ્લા વિકાસ અધિકારીઓને મળી છે. આ તકને જનસેવા અને અત્યોદય ઉત્થાનની ઈશ્વરીય તક તરીકે સ્વીકારીને પૂરી કર્તવ્યનિષ્ઠાથી ફરજ અને જવાબદારી અદા કરવાનો કાર્યસંતોષ લઈ શકાય. ખોટું આચરણ કરનારાઓને સાંખી લેવાશે નહીં એવી તાકીદ કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વચન, કર્મ અને આચરણ ત્રણેય સરખા જ રાખીને જનહિતમાં કાર્યરત રહીને સરકારી સેવા દીપાવવાનો ભાવ હંમેશા હૈયે રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને ‘વિકસિત ગુજરાત’ થકી સાકાર કરીએ. પ્રધાનમંત્રી ફ્લેગશીપ યોજનાઓના વધુ સુચારૂ અમલથી ગુજરાતના ગામડાઓમાં સાચા અર્થમાં વધુ બદલાવ આવશે. કેચ ધ રેઇન, સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણ જેવા પર્યાવરણ-આરોગ્ય લક્ષી આયામો દ્વારા ગ્રામીણ વિસ્તારની સુખાકારીમાં વધારો થશે. નરેગા યોજના અંતર્ગત લેબલ બજેટ પ્રમાણે માનવદિન ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરીને શ્રમિકોની માંગણી પ્રમાણે કામ અને કરેલ કામનું સમયસર વેતન મળે તે સુનિશ્ચિત કરીએ જેથી ગ્રામીણ અર્થવ્યવસ્થા વધુ જીવંત રાખી શકાય.






