Home National 94 Year Old Woman Gives Up Us Citizenship To Become Indian Again Gujarati

'ભારતીય તરીકે જ મરવું છે...' : 94 વર્ષની દાદીમાએ છોડી અમેરિકાની નાગરિકતા, વતનમાં અંતિમ શ્વાસ લેવાની વ્યક્ત કરી ઈચ્છા

94 Year Old Woman Gives Up US Citizenship To Become Indian Again
Image Credit: TWITTER
Published by: Nirali Gohil
Last Updated: Jun 26, 2026, 11:33 AM IST

94 Year Old Woman Gives Up US Citizenship To Become Indian Again: દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાનું સપનું લાખો લોકો જોતા હોય છે. અનેક ભારતીયો સારું ભવિષ્ય, નોકરી અને પરિવાર માટે અમેરિકા સહિતના દેશોની નાગરિકતા પણ સ્વીકારી લે છે. પરંતુ આંધ્ર પ્રદેશમાંથી એક એવો ભાવુક કિસ્સો સામે આવ્યો છે, જેણે દેશપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યેનો લગાવ શું હોય છે તેની અનોખી ઝલક આપી છે.

આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લાના 94 વર્ષીય કૉન્ડ્રાગુંટા મહાલક્ષ્મમ્માએ જીવનના અંતિમ દિવસોમાં અમેરિકાની નાગરિકતા છોડીને ફરી ભારતીય નાગરિક બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાના અંતિમ શ્વાસ પોતાની જન્મભૂમિ પર એક ભારતીય નાગરિક તરીકે લેવા માંગે છે અને અંતિમ સંસ્કાર પણ ભારતની ધરતી પર જ થાય તેવી તેમની અંતિમ ઈચ્છા છે.

વર્ષ 2000માં પુત્ર પાસે અમેરિકા ગયા હતા

અધિકારીઓના જણાવ્યા મુજબ કૉન્ડ્રાગુંટા મહાલક્ષ્મમ્મા મૂળ આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લાના ચિનાગંજમ મંડલના ચિંતાગુમ્પાલા ગામના રહેવાસી છે. તેમના પતિ નાગભૂષણમના અવસાન બાદ તેઓ વર્ષ 2000માં પોતાના પુત્ર ડૉ. કે. બુચ્ચૈયા ચૌધરી પાસે અમેરિકા રહેવા ગયા હતા. તેમના પુત્ર અમેરિકામાં જાણીતા કેન્સર સર્જન છે. અમેરિકા સ્થાયી થયા બાદ મહાલક્ષ્મમ્માએ જુલાઈ 2000માં અમેરિકાની નાગરિકતા સ્વીકારી હતી અને લગભગ બે દાયકા સુધી ત્યાં નિવાસ કર્યો હતો.

આ પણ વાંચો: 27 જૂને 1 કિલોમીટર જેટલો વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી પાસેથી પસાર થશે : શું ખરેખર કોઈ ખતરો છે? NASAએ આપી મહત્વની માહિતી

2018માં વતનમાં પરત ફર્યા, હવે ફરી ભારતીય બનવા માંગે છે

લાંબા સમય સુધી અમેરિકા રહ્યા બાદ વર્ષ 2018માં મહાલક્ષ્મમ્મા પોતાના વતન ભારત પરત ફર્યા હતા. ત્યારથી તેઓ પોતાના ગામમાં જ રહે છે. જીવનના અંતિમ તબક્કામાં તેમણે સ્વૈચ્છિક રીતે અમેરિકાની નાગરિકતા છોડવાનો નિર્ણય કર્યો અને ફરી ભારતીય નાગરિકતા મેળવવા માટે ઓનલાઈન અરજી કરી છે. તેમની અરજીની સુનાવણી બાપટલા જિલ્લાના કલેક્ટર ડૉ. વી. વિનોદ કુમાર સમક્ષ કરવામાં આવી હતી.

ભારતીય બંધારણ પ્રત્યે નિષ્ઠાની શપથ લેવડાવવામાં આવી

સુનાવણી દરમિયાન મહાલક્ષ્મમ્માને ભારતીય બંધારણ પ્રત્યે નિષ્ઠા અને વફાદારીની શપથ તેલુગુ ભાષામાં લેવડાવવામાં આવી હતી. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને શપથનો પાઠ તેલુગુમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમના પુત્રએ તેને વાંચવામાં મદદ કરી હતી. ત્યારબાદ મહાલક્ષ્મમ્માએ જરૂરી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હવે તેમની અરજી અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે.

'ભારતીય તરીકે જ દુનિયાને અલવિદા કહેવી છે'

બાપટલા જિલ્લા કલેક્ટર ડૉ. વી. વિનોદ કુમારે જણાવ્યું કે મહાલક્ષ્મમ્મા પાસે અમેરિકાની નાગરિકતા ઉપરાંત OCI (Overseas Citizen of India) કાર્ડ પણ હતું. તેમણે જણાવ્યું કે, મહાલક્ષ્મમ્માને લાગ્યું કે, હવે જીવનનો અંતિમ સમય નજીક છે. તેથી તેમણે સ્પષ્ટ ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ પોતાના બાકીના દિવસો ભારતની ધરતી પર જ વિતાવવા માંગે છે અને દુનિયાને પણ એક ભારતીય નાગરિક તરીકે જ અલવિદા કહેવા માંગે છે. કલેક્ટરના જણાવ્યા મુજબ, મહાલક્ષ્મમ્મા 23 જૂનના રોજ પોતાના પુત્ર સાથે તેમની કચેરીએ આવ્યા હતા. જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમની ફાઈલ હવે અંતિમ નિર્ણય માટે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: રામમંદિરમાં ચોરીનો મામલો : વિવાદ વધુ વકરતા ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું રાજીનામું, સંજય રાઉતે ઉઠાવ્યાં સવાલ

માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ બન્યો ચર્ચાનો વિષય

મહાલક્ષ્મમ્માનો આ નિર્ણય માત્ર કાનૂની પ્રક્રિયા પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશપ્રેમ અને માતૃભૂમિ સાથેના ભાવનાત્મક જોડાણનું પણ અનોખું ઉદાહરણ બની રહ્યો છે. આજે જ્યારે અનેક લોકો વિદેશી નાગરિકતા મેળવવા આતુર હોય છે, ત્યારે 94 વર્ષની ઉંમરે એક મહિલાએ અમેરિકાની નાગરિકતા છોડીને ભારતીય નાગરિક તરીકે અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની આ લાગણી સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે અને અનેક લોકો તેને માતૃભૂમિ પ્રત્યેના અતૂટ પ્રેમનું જીવંત ઉદાહરણ ગણાવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now