આજે વિશ્વના અલગ અલગ દેશોમાં યુદ્ધની સ્થિતિ છે..તેવામાં એ જાણવું જરૂરી બની જાય છે કે વિશ્વના કયા કયા દેશો પાસે પરમાણુ હથિયારો છે. એ જાણીએ.
રશિયા પાસે કુલ 5,449 પરમાણુ શસ્ત્રો છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ (FAS) અનુસાર રશિયાનો પરમાણુ કાર્યક્રમ 1949માં શરૂ થયો હતો. તેની પાસે વિશ્વની સૌથી મોટી પરમાણુ મિસાઈલ છે.
ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ (FAS) અનુસાર અમેરિકા પાસે કુલ 5,277 પરમાણુ શસ્ત્રો છે. અમેરિકા પાસે દુનિયાનો બીજો સૌથી મોટો પરમાણુ હથિયારોનો ભંડાર છે. અમેરિકાએ 1945માં પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. હિરોશિમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલા પછી, યુ. એસ. એ તેના પરમાણુ કાર્યક્રમને વધુ વિકસાવ્યો છે.
ભારતના પાડોશી દેશ ચીન પાસે 600થી વધુ પરમાણુ શસ્ત્રો છે. FAS અનુસાર, ચીન પાસે પરમાણુ હથિયારોનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ભંડાર છે. ચીને 1964માં પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
ફ્રાન્સ પાસે 290 પરમાણુ હથિયારો છે. ફ્રાન્સ પાસે વિશ્વનો ચોથો સૌથી મોટો પરમાણુ શસ્ત્રાગાર છે. ફ્રાન્સે 1960માં પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
બ્રિટન પાસે વિશ્વનો પાંચમો સૌથી મોટો પરમાણુ શસ્ત્રાગાર છે. FAS અનુસાર, યુનાઇટેડ કિંગડમ પાસે 225 પરમાણુ શસ્ત્રો છે. બ્રિટને 1952માં પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
આ યાદીમાં ભારત છઠ્ઠા ક્રમે છે. FAS અનુસાર, ભારત પાસે 180 પરમાણુ શસ્ત્રો છે. ભારતે 1974માં પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ભારતની નીતિ 'નો ફર્સ્ટ યુઝ "પર આધારિત છે. ભારત સતત પોતાના પરમાણુ શસ્ત્રાગારનું આધુનિકીકરણ કરી રહ્યું છે.
પાકિસ્તાન પરમાણુ હથિયારો ધરાવતો વિશ્વનો સાતમો દેશ છે. FAS અનુસાર પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયાર છે. પાકિસ્તાને 1998માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. તેની પરમાણુ નીતિ ભારત સામે સંતુલન જાળવવા પર કેન્દ્રિત છે.
ઇઝરાયેલ પરમાણુ હથિયારો હોવાનું સ્વીકારતુ નથી અથવા નકારતું પણ નથી. FAS અનુસાર, ઇઝરાયેલ પાસે 90થી વધુ પરમાણુ શસ્ત્રો છે. ઇઝરાયેલે 1960ના દાયકામાં પરમાણુ ક્ષમતા હાંસલ કરી હોવાનું માનવામાં આવે છે.
ઉત્તર કોરિયા વિશ્વમાં નવમા ક્રમે છે. FAS અનુસાર, ઉત્તર કોરિયા પાસે 50થી વધુ પરમાણુ શસ્ત્રો છે. તેની પરમાણુ નીતિ અમેરિકા અને દક્ષિણ કોરિયા સામે રક્ષણાત્મક અને આક્રમક વ્યૂહરચના પર આધારિત છે.





