Home Gujarat 8 Children Who Ran Away From Madrasa Of Prantij Found From Railway Station

મદ્રેસામાં માર મારતા હોવાનો બાળકોનો આક્ષેપ : પ્રાંતિજથી 8 બાળકો ભાગી છુટ્યા

મદ્રેસામાં માર મારતા હોવાનો બાળકોનો આક્ષેપ
Published by: OBS Bureau
Last Updated: Apr 29, 2025, 12:48 PM IST

સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં આવેલી એક મદ્રેસામાંથી બિહાર રાજ્યના 8 બાળકો ભાગી છૂટ્યા હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગર રેલવે સ્ટેશન પરથી આ તમામ બાળકો મળી આવ્યા હતા. આ બાળકોએ આરોપ મૂક્યો છે કે મદ્રેસામાં તેમની પર મારપીટ કરવામાં આવતી હતી, જેને પગલે રેલવે પોલીસે તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેમની તબીબી તપાસ કરાવી. બાળકે જણાવ્યું હતું કે મદ્રેસામાં શિક્ષકો દ્વારા વાયર, પાઈપ અને લાકડીથી મારમારવામાં આવતો હતો. તો બીજી તરફ મદ્રેસાના આચાર્યે આ અંગે સાવ અલગ જ નિવેદન આપ્યું. આ મામલે મદ્રેસાના બે મૌલવી અને બે મોટા વિદ્યાર્થીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

રાત્રે લગભગ 2:30 વાગ્યે બાળકો મદ્રેસા છોડીને ચાલતા-ચાલતા તલોદ સુધી પહોંચ્યાં હતાં. ત્યારબાદ તેમણે અસારવા-ઉદયપુર ઈન્ટરસિટી ટ્રેન પકડી હતી. હિંમતનગર રેલવે સ્ટેશન પર GRP અને RPFની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન તેમને ડરી-સૂંકડી હાલતમાં શોધી કાઢ્યા હતા. ત્યારબાદ, તેમના નિવેદનના આધારે તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા.

બાળકોના ગંભીર આક્ષેપ મુજબ મદ્રેસામાં તેમને સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી નિરંતર અભ્યાસ કરાવાતો હતો અને ન તો પાણી પીવા દેતા અને ન જ પેશાબ માટે રજા આપતા. જો કોઈ વિલંબ થતો તો વાયર, પાઈપ અથવા લાકડી વડે માર મારવામાં આવતો.

તબીબી તપાસ અંતર્ગત બાળકોના એક્સ-રે, સીટી સ્કેન સહિતના ટેસ્ટ કરાયા છે અને શરીર પર લાગેલી ઈજાઓની પણ તપાસ કરવામાં આવી છે.

મદ્રેસાના આચાર્ય મોહમ્મદ કામિલે દાવો કર્યો છે કે બાળકો કોઈ શારીરિક સજાના કારણે નહીં, પરંતુ લગ્ન પ્રસંગમાં જવા માટે રજા ન મળતાં મદ્રેસામાંથી ભાગી ગયા હતા. આચાર્ય મુજબ, મદ્રેસામાં કુલ 50 બાળકો હતા અને હાલમાં 38 બાળકો હાજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now