Home Gujarat 42 Arrested In Sanands Kalana Group Clash Case

સાણંદના કલાણામાં જૂથ અથડામણ મામલે 42ની ધરપકડ : ઘરો અને ખેતરોમાં પોલીસે શરૂ કરી કોમ્બિંગ, 'ડ્રોન' તપાસ તેજ

સાણંદના કલાણામાં જૂથ અથડામણ મામલે 42ની ધરપકડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 12:55 PM IST

Sanand group clash : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી બાદ પથ્થરમારાની ગંભીર ઘટના બની હતી. ગામમાં તણાવ વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સમયસર પોલીસના કડક બંદોબસ્ત અને કાર્યવાહી બાદ હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવાયું છે.

પોલીસ કાફલાએ હાથધરી તપાસ

કલાણા ગામમાં થયેલી જૂથ અથડામણની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ, સાણંદ DySP સહિતના વરિષ્ઠ અધિકારીઓ પોતાના કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિને સંયમમાં લીધી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસે તરત જ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. ગામના વિસ્તારો તેમજ આસપાસના ખેતરોમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

'40 લોકો સામે નામજોગ FIR'

જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સામાન્ય બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. આ મામલે 40 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ 42 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પથ્થરમારાની ઘટનાના સામે આવેલા વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, પથ્થરમારામાં જે કોઈ વ્યક્તિ સંડોવાયેલી હશે તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે, જ્યારે નિર્દોષ લોકોને ડરવાની જરૂર નથી.

હાલ સમગ્ર સાણંદ પંથકમાં સંપૂર્ણ શાંતિ: જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ

ઓમપ્રકાશ જાટે કહ્યું કે, 'પોલીસ દ્વારા પથ્થરબાજોને ઝડપી લેવા માટે જ્યાં જ્યાં તેઓ છુપાયા હોવાની આશંકા છે તે તમામ વિસ્તારો અને ખેતરોમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે અમદાવાદ પોલીસની ડ્રોન ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં હવાઈ નજર રાખીને તપાસ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, હાલ સમગ્ર સાણંદ પંથકમાં સંપૂર્ણ શાંતિ છે, જનજીવન સામાન્ય બની ગયું છે અને પરિસ્થિતિ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now