Home Gujarat 4 Mobiles Seized In Surendranagar Sub Jail

સુરેન્દ્રનગર સબ જેલમાં મોબાઈલ જલસા પર પોલીસ જલદ! : 4 મોબાઇલ ફોન જપ્ત, પોલીસ તપાસ-કાર્યવાહીનો ધમધમાટ

સુરેન્દ્રનગર સબ જેલમાં મોબાઈલ જલસા પર પોલીસ જલદ!
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 02:47 PM IST

Surendranagar Sub Jail Mobile seized : સુરેન્દ્રનગર સબ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલની સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલ પરિસરમાંથી ચાર મોબાઇલ ફોન મળી આવ્યા છે, જેના કારણે જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહાનિર્દેશક જેલ સ્ક્વોડ દ્વારા સુરેન્દ્રનગર સબ જેલની અચાનક મુલાકાત લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જેલના અંદરના ભાગમાં આવેલા ભગવાનના મંદિર પાછળ તપાસ કરવામાં આવી, જ્યાંથી ચાર મોબાઇલ ફોન મળ્યા હતા.

પૂજાની સામગ્રીની થેલીમાં મોબાઇલ છૂપાવ્યો હતો

તપાસમાં ખુલ્યું છે કે, એક કેદીએ પૂજાની સામગ્રીની થેલીમાં મોબાઇલ ફોન મૂકીને મંદિર પાછળ છુપાવી રાખ્યા હતા. જેલ ચેકિંગ ટીમે તાત્કાલિક ચારેય મોબાઇલ ફોન કબ્જે કરી લીધા હતા. આ મામલે જેલ પ્રશાસન દ્વારા સંબંધિત કેદી સામે શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ આ મોબાઇલ ફોન જેલની અંદર કોણે અને કેવી રીતે પહોંચાડ્યા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

જેલ તંત્રમાં હલચલ મચી

જેલમાં પ્રતિબંધિત સામગ્રી પહોંચાડવામાં કોઈ કર્મચારી સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ એ ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાથી જેલ તંત્રમાં હલચલ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની જરૂરિયાત ફરી સામે આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now