Iran Kidnapping Case : ઈરાનમાં બંધક બનેલા ચાર ગુજરાતી યુવાનો હવે સુરક્ષિત રીતે ભારત પરત આવી રહ્યા છે. માહિતી મુજબ, આ ચારેય વ્યક્તિઓ હાલમાં દોહા (કતાર) પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં તેઓ ભારત આવશે. આ યુવાનો માણસા તાલુકાના બાપુપુરા ગામના હોવાનું જાણવા મળ્યું છે.
ચારેય વ્યક્તિઓ હાલમાં દોહા પહોંચ્યા
ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઈરાનમાં કામ માટે ગયેલા ચારેય લોકોને કેટલાક અપહરણકારોએ બંધક બનાવી લીધા હતા. અપહરણકારોએ તેમને નગ્ન કરી માર માર્યો હતો અને તેમના પરિવારજનોને વીડિયો મોકલીને લગભગ 2 કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી. આ વીડિયો જોઈને પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા.
ધારાસભ્ય જે એસ પટેલે શું કહ્યું?
આ ઘટનાની જાણ થતા માણસાના ધારાસભ્ય જે એસ પટેલે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે આ સમગ્ર મામલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચાડ્યો અને ચારેય લોકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે મદદ માગી હતી.
'યુવાનોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી રહ્યાં છે'
ધારાસભ્ય જે એસ પટેલે જણાવ્યું કે, 'ભારત સરકારના તાત્કાલિક હસ્તક્ષેપ અને વિદેશ મંત્રાલયના સહયોગથી આ ચારેય ગુજરાતી યુવાનોને ઈરાનમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, સરકારે ખૂબ જ ઝડપથી પગલાં લઈને આ યુવાનોને સુરક્ષિત રીતે પરત લાવ્યા છે, જે બદલ ગામવાસીઓએ સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે.






