Home Gujarat 4 Friends Drown In Naka Lake Of Mahisagar On Festival Day Mourning In Kantar Village

મહીસાગરમાં માતમ; તહેવારના દિવસે જ નાકા તળાવમાં 4 મિત્રો ડૂબ્યા : કંતાર ગામમાં આનંદનો ઉત્સવ શોકમાં ફેરવાયો

મહીસાગરમાં માતમ; તહેવારના દિવસે જ નાકા તળાવમાં 4 મિત્રો ડૂબ્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 06:54 AM IST

મહીસાગર : જિલ્લાના કોઠંબા પંથકમાં આજે એક કાળજું કંપી જાય તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તહેવારના પવિત્ર દિવસે જ્યારે લોકો ઉત્સાહમાં હતા, ત્યારે કોઠંબા તાલુકાના રાઘવના મુવાડા પાસે આવેલા નાકા તળાવમાં ચાર આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર કંતાર ગામ સહિત મહીસાગર જિલ્લામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

ન્હાવા પડેલા મિત્રો કાળનો કોળિયો બન્યા

મળતી માહિતી મુજબ, મહીસાગરના કંતાર ગામના ચાર યુવાનો આજે તહેવારની રજા હોવાથી નજીકમાં આવેલા રાઘવના મુવાડા પાસેના નાકા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. ચારેય મિત્રો તળાવના પાણીમાં આનંદ-પ્રમોદ કરી રહ્યા હતા, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. એકબીજાને બચાવવાના પ્રયાસમાં ચારેય યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા અને જોતજોતામાં કાળનો કોળિયો બની ગયા હતા.

ફાયર વિભાગ અને સ્થાનિકોની ભારે જહેમત

ઘટનાની જાણ આસપાસના લોકોને થતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરો અને સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં યુવાનોની શોધખોળ માટે ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની શોધખોળ બાદ એકપછી એક ચારેય યુવાનોના નિષ્પ્રાણ દેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા છે.

મૃતકોની વિગત

આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ચારેય યુવાનો કંતાર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે:

  • અમિતભાઈ વિનોદભાઈ બારિયા

  • બારિયા તુષારભાઈ રુઘનાથ

  • વિપુલભાઈ જસવંતભાઈ બારિયા

  • જયદીપ ભાઈ જસવંત બારિયા

પરિવારમાં આક્રંદ

તહેવારના દિવસે જ ઘરના વ્હાલસોયા પુત્રોના મોતના સમાચાર મળતા જ પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું છે. આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી કંતાર ગામમાં આજે ચૂલો પણ સળગ્યો નથી અને ચારેબાજુ આક્રંદ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને જળાશયો અને ઊંડા તળાવોમાં ન્હાવા ન પડવા માટે અવારનવાર અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવી દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now