Home Gujarat 28 Tribal Children On Isro Trip

28 આદિવાસી બાળકો ઈસરોના પ્રવાસે : મંત્રી મુકેશભાઈ પટેલે બાળકોને આપ્યો ખાસ સંદેશો

28 આદિવાસી બાળકો ઈસરોના પ્રવાસે
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 06:15 AM IST

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ’તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઈસરોના પ્રવાસે જઈ રહેલા 28 આદિવાસી બાળકો સાથે સંવાદ કર્યો હતો. સુરત એરપોર્ટના સભાગૃહમાં વનમંત્રીએ બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

28 આદિવાસી બાળકો ઈસરોના પ્રવાસે

તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના 28 આદિવાસી બાળકો તા.10 થી 13 ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે સુરત એરપોર્ટ પરથી રવાના થયા હતા. વિદ્યાર્થીઓને યાદગાર અને મંગલમય પ્રવાસ માટે શુભેચ્છા આપતા મંત્રીએ રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકો માટે કરાયેલી આ નવીન પહેલ માટે તાપી જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચેન્નઈ ઈસરો ખાતેના શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓને ’લર્ન વિથ ફન’આનંદ સાથે કંઈક નવું શીખવાની પ્રેરણા આપી હતી. તેમણે બાળકોને ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લેવા તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું.

"ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં ઉપયોગી સાબિત થશે"

મંત્રીએ કહ્યું આ પ્રવાસ બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વિચારશક્તિ વિકસાવવા મદદરૂપ થશે. ઈસરોની મુલાકાત વિજ્ઞાન ક્ષેત્રમાં કઈંક નવું કરવા, ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં ઉપયોગી સાબિત થશે. ઈસરો મુલાકાતની મળેલી તકનો સવિશેષ લાભ લઈ મહત્તમ જ્ઞાન મેળવવા બાળકોને જણાવ્યું હતું. વધુમાં તેમણે છેક છેવાડાના આદિજાતિ ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઈલમેન ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામથી પ્રેરિત થઈ શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને ગામ–રાજ્ય સહિત દેશનું નામ વિશ્વફલક પર ઉજ્જવળ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તાપીથી પ્રવાસ કરી ઇસરોની સાથે ચેન્નઈ સ્થિત પ્લેનેટેરિયમ અને ઝુઓલોજિકલ પાર્કની મુલાકાતે જનાર આ વિદ્યાર્થીઓને યાદગાર સંભારણા તરીકે એક સ્મરણ પુસ્તિકા બનાવવા અનુરોધ કર્યો હતો.

15 સરકારી શાળાઓના આદિવાસી બાળકો ભાગ લેશે

આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ 'વિજ્ઞાન સેતુ- તાપી કે તારે' અંતર્ગત તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના 28 આદિવાસી બાળકો તા.10 થી 13 ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now