Home Gujarat 26 Thousand Kg Of Suspicious Cumin Seeds Seized From A Factory Near Unjha

નકલી જીરાનો ખેલ પકડ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે : ઉંઝા પાસે ચાલતી ફેકટરીમાંથી 26 હજાર કિલો શંકાસ્પદ જીરું પકડાયું

નકલી જીરાનો ખેલ પકડ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 03:53 PM IST

ગુજરાતના મસાલા માર્કેટના હબ ગણાતા ઊંઝામાં ફરી એકવાર શંકાસ્પદ જીરાનું નેટવર્ક ઝડપાયું છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે ઊંઝા-પાટણ હાઈવે પર આવેલા સિહી ગામમાં દરોડા પાડીને મોટા પાયે શંકાસ્પદ જીરાનો જથ્થો ઝડપી પાડ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે.

ફેક્ટરીમાં સફેદ પાઉડરનું સામ્રાજ્ય

મળતી માહિતી મુજબ, ફૂડ વિભાગની ટીમે સિહી ગામમાં આવેલી મહેશ ત્રિભોવનભાઈ પટેલની ફેક્ટરીમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે સ્થળ પરથી જીરાને ચમકાવવા અથવા વજન વધારવા માટે વપરાતો 498 કિલો શંકાસ્પદ સફેદ પાઉડર મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પાઉડરને જીરામાં મિક્સ કરીને તેને માર્કેટમાં વેચવા માટે તૈયાર કરવામાં આવતું હતું. કુલ મળીને રૂ. 48,50,280 ની કિંમતનો શંકાસ્પદ જથ્થો હાલ ફૂડ વિભાગે જપ્ત કર્યો છે.

લાખોનો મુદ્દામાલ જપ્ત

આ કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે નીચે મુજબનો જથ્થો સીઝ કર્યો છે:

લુઝ જીરું: 24,248 કિલો (કિંમત અંદાજે રૂ. 43,64,640)

પેકિંગ જીરું: 2,628 કિલો (કિંમત અંદાજે રૂ. 4,85,640)

સફેદ પાઉડર: 498 કિલો

કુલ મળીને ₹48,50,280ની કિંમતનો શંકાસ્પદ જથ્થો

નમૂના લેબોરેટરીમાં મોકલાયા

ફૂડ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી જીરા અને પાવડરના નમૂના લઈ પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આ ભેળસેળમાં કયા પદાર્થોનો ઉપયોગ થયો હતો તેની સત્તાવાર પુષ્ટિ થશે.

નજીવા નફાની લાલચમાં લોકોના આરોગ્યને જોખમમાં મૂકતા વેપારીઓ સામે આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ આવી તપાસ ચાલુ રહેશે અને ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now