Home Gujarat 20th Installment Of Pm Kisan Yojana Released

PM Kisan Yojana નો 20મો હપ્તો રિલીઝ : "ખેડૂતોને બીજથી બજાર સુધીની વ્યાપક સુવિધા મળી"

PM Kisan Yojana નો 20મો હપ્તો રિલીઝ
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 09:59 AM IST

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 20 મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેમાં ગુજરાતના 52.16 લાખથી વધુ કિસાન પરિવારોને રૂ. 1,118 કરોડથી વધુની સહાય 20માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ સંદર્ભમાં રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી અને રજ્યમંત્રી મંડળના મંત્રીઓ સહિત રાજ્યભરના 3 લાખથી વધુ ખેડૂતોએ વિવિધ સ્થળોએથી વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જનસેવાની ભાવના અને સાચી નિયતથી ખેડૂતહિત અને જનહિતના કામો કેટલી ઝડપથી થાય છે, એ વડાપ્રધાનએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. તેમણે GYAN એટલે કે ગરીબ, અન્નદાતા, યુવા અને નારીશક્તિને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણાવીને અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને પ્રાથમિકતા આપીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અમલમાં મૂકી હતી. જે આજે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બની છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાની ન્યાયી અને પારદર્શી પદ્ધતિના પરિણામે દેશના નાના અને સીમાંત ખેડૂતો સુધી પણ આ યોજનાનો ૧૦૦ ટકા લાભ પહોંચી રહ્યો છે. એટલા માટે જ, આજે ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 19 હપ્તામાં કુલ રૂ. 3.69 લાખ કરોડ જમા થયા છે. વડાપ્રધાનના હસ્તે 20માં હપ્તા હેઠળ દેશના 7.70 કરોડથી વધુ ખેડૂતોને રૂ.20,500 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ખેડૂતો માટે બીજથી બજાર સુધીની વ્યાપક સુલભતા ઊભી થઈ છે. સાથે જ, કૃષિ વિભાગના બજેટમાં પણ પાંચ ગણી વૃદ્ધિ થઈ છે. ગત 11 વર્ષમાં 25 કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવા ઉપરાંત આધુનિક ખેતી અને કૃષિ યાંત્રિકીકરણને વેગ મળ્યો છે.

ખેડૂતો વતી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લામાં ઉત્પાદકતા વધારવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા નવી “પીએમ ધનધાન્ય કૃષિ યોજના”ને તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત “પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના"ને વડાપ્રધાનશ્રીએ મંજૂરી આપી છે. વિકસિત ગુજરાત માટે વિકસિત ખેતીના નિર્માણ માટે ખેડૂતોને આહ્વાન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ જેવી પરંપરાગત પદ્ધતિઓને મહત્વ આપ્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેક સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત ગુજરાતના હાલોલમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કાર્યરત કરવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેથી ખેડૂતોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. જ્યારે, મુખ્યમંત્રીના હસ્તે કૃષિ હિતલક્ષી યોજનાના વિવિધ ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચૂકવાયેલા 19 હપ્તા પેટે ગુજરાતના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સમગ્રતયા કુલ રૂ. 19,993 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને યોજાઇ રહેલા આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજ્યના 7,000થી વધુ સ્થળ ખાતેથી ૩ લાખથી વધુ ખેડૂતો નિહાળી રહ્યા છે.

આ સમારોહમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય મતી રીટાબેન પટેલ, પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમાર, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર વિજય ખરાડી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાતના ખેતી નિયામક સહિત કૃષિ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now