Home Gujarat 202nd Organ Donation At Civil Hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું થયું અંગદાન : રાષ્ટ્રીય અંગદાન દિવસ પહેલા હૃદય, એક લીવર, બે કીડની તેમજ બે આંખોનું દાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું થયું અંગદાન
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 12:40 PM IST

3જી ઓગસ્ટના રોજ ઉજવાતા 'રાષ્ટ્રીય અંગદાન દિવસના બે દિવસ પહેલા, એટલે કે 1લી ઓગસ્ટે સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન થયું હતું. બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરીને પિતાએ 'અંગદાન મહાદાન'ના સૂત્રને સાર્થક કર્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં થયેલા 202માં અંગદાનની વાત કરીએ તો અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા ધીરજભાઇ શ્રીમાળી છેલ્લા પચ્ચીસ વર્ષથી ખેંચની બીમારીથી પીડાતા હતા. 45 વર્ષીય ધીરજભાઇને 28 જુલાઈના રોજ ખેંચ આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 72 કલાક કરતા વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ 01 ઓગસ્ટના રોજ ડોક્ટરોએ ધીરજભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પિતા ગણપતભાઇએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરીને ગણપતભાઇએ પુત્રને અન્યમાં જીવતો રાખવાનો સંતોષ પ્રાપ્ત કર્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ અંગદાન બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિતલ ખાતે આજદિન સુધીમાં કુલ 202 અંગદાન થયા છે . જેના દ્વારા કુલ 664 અંગોનું દાન મળ્યું છે. જે થકી 645 લોકોને નવજીવન પ્રદાન થયું છે.ધીરજભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 177 લીવર, 368 કીડની, 14 સ્વાદુપિંડ, 65 હ્રદય, 6 હાથ, 32 ફેફસા, 2 નાના આંતરડા તથા 21 ચામડીનું દાન મળ્યુ છે.

ધીરજભાઇના અંગદાનથી મળેલ એક લીવર અને બે કીડનીને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સાથે જ, ધીરજભાઇના અંગદાનથી મળેલ હૃદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મેહતા હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. ધીરજભાઇના ચક્ષુદાનથી મળેલ બે આંખોનું દાન એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતુ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now