સુરતના સારોલી વિસ્તારમાં આવેલા રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં રહેતી એક 19 વર્ષની યુવતીએ ગુરુવારના રોજ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. મોડેલિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના ઇરાદે અમદાવાદથી સુરત આવેલ યુવતીના અચાનક આપઘાતથી સ્થાનિકો અને પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટનાનું મૂળ કારણ હજુ સુધી અજાણ હોવાને કારણે તંત્ર સમક્ષ અનેક સવાલો ઉભા થયા છે.
ઘટનાની માહિતી અનુસાર, જ્યારે તેની એક મિત્ર ઘરે પરત આવી ત્યારે સુખપ્રીતને બેડરૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચી સ્થાનિક સારોલી પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલ્યો છે.
આપઘાત પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. કોઇપણ સુસાઇડ નોટ મળી નથી, જેથી અનેક અનુમાનોએ જમૃવી પકડી છે. હાલ પોલીસે સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે અને યુવતીના પરિચિતો તથા પરિવારજનો પાસેથી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશની રહેવાસી અને હાલ સુરતના કુંભારિયા વિસ્તારમાં આવેલા સારથી રેસિડેન્સીમાં રહેતી સુખપ્રીત લખવિંદરસિંહ કૌર છેલ્લા ચારથી પાંચ દિવસથી સુરતમાં હતી. સુખપ્રીત પોતાનું મોડેલિંગ કરિયર આગળ વધારવા માટે અહીં આવેલી હતી અને પોતાના સંબંધમાં આવતા અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. ઉલ્લેખનીય છે કે, તેનું સંપૂર્ણ કુટુંબ વતનમાં રહે છે.





