Home Sports 14 Year Old Jancy Kanabar From Junagadh Creates History Becomes The First Indian To Win The Australian Open U14 Title

જૂનાગઢની જેન્સીએ ઓસ્ટ્રેલિયામાં ગજવ્યું મેદાન : ઓસ્ટ્રેલિયન ઓપન U14 ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની, જાણો હારતા-હારતા કેવી રીતે જીતી ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલ?

જૂનાગઢની જેન્સીએ ઓસ્ટ્રેલિયામાં ગજવ્યું મેદાન
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 11:44 AM IST

ભારતીય ખેલ જગત માટે ઓસ્ટ્રેલિયાની ધરતી પરથી ગૌરવશાળી સમાચાર આવ્યા છે. ગુજરાતના જૂનાગઢની માત્ર 14 વર્ષની ટેનિસ સ્ટાર જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન (U14) ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ જીતીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. જેન્સી આ પ્રતિષ્ઠિત ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ફાઈનલમાં હારી જવાની અણી પર હોવા છતાં, જેન્સીએ જે રીતે વળતી લડત આપીને જીત મેળવી, તેણે આખા વિશ્વને ભારતની આ 'વન્ડર ગર્લ'ની તાકાતનો પરિચય કરાવ્યો છે. મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના કોર્ટ પર જ્યારે જેન્સીએ તિરંગો લહેરાવ્યો, ત્યારે દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી.

ફાઈનલમાં હારતા-હારતા મેળવી ચમત્કારિક જીત

ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક એલિટ 14 એન્ડ અન્ડર ટ્રોફીમાં જેન્સીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ફાઈનલ મેચમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા કિલેક સામે હતો. શરૂઆતમાં જેન્સી દબાણમાં દેખાતી હતી અને તે 3-6, 0-2થી પાછળ ચાલી રહી હતી. સ્ટેડિયમમાં હાજર સૌને લાગ્યું કે જેન્સી હારી જશે, પરંતુ ત્યાંથી તેણે ગજબની વાપસી કરી હતી. જેન્સીએ આગામી બે રાઉન્ડમાં 6-4 અને 6-1થી વિજય મેળવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

કોણ છે જેન્સી કાનાબાર?

જેન્સી કાનાબાર ગુજરાતના જૂનાગઢની રહેવાસી છે અને તે ભારતની સૌથી યુવા અને પ્રતિભાશાળી ટેનિસ ખેલાડીઓમાંની એક છે. અત્યંત નાની ઉંમરથી ટેનિસ રેકેટ પકડનાર જેન્સીએ તેની સખત મહેનતથી જૂનિયર સર્કિટમાં સતત શાનદાર દેખાવ કર્યો છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) માં તે અન્ડર 14 અને અન્ડર 16 કેટેગરીમાં નંબર-1 રેન્ક મેળવી ચૂકી છે.

2026ની શાનદાર શરૂઆત અને અગાઉની સિદ્ધિઓ

વર્ષ 2026 ની શરૂઆત જેન્સી માટે યાદગાર રહી છે, કારણ કે તે AITA વિમેન્સ સિંગલ્સ રેન્કિંગમાં નંબર-1 ના સ્થાને પહોંચી ગઈ છે. આ પહેલા સપ્ટેમ્બર 2025 માં તેણે એશિયન અન્ડર 14 જૂનિયર ચેમ્પિયનશિપ પર કબજો કર્યો હતો. આ ઉપરાંત, તેણે પોતાના ડેબ્યૂ પર જ ITF J30 અમદાવાદ સિંગલ્સ ટાઈટલ અને ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપનો ખિતાબ પણ જીત્યો હતો.

ભારતીય ટેનિસનું નવું ભવિષ્ય

ઉલ્લેખનીય છે કે, છોકરાઓની કેટેગરીમાં 2024માં અર્ણવ પાપરકરે આ ખિતાબ જીત્યો હતો અને હવે જેન્સીએ છોકરીઓની કેટેગરીમાં આ સિદ્ધિ મેળવી છે. જે રીતે જેન્સી આંતરરાષ્ટ્રીય સ્તરે એક પછી એક ટાઈટલ જીતી રહી છે, તે જોતા સ્પોર્ટ્સ એક્સપર્ટ્સ તેને ભારતની આગામી 'સાનિયા મિર્ઝા' તરીકે જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now