Botad Crime News : બોટાદ જિલ્લામાં એક અત્યંત શર્મનાક અને હદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં 14 વર્ષની સગીરા માતા બની હોવાનો ખુલાસો થયો છે. માહિતી મુજબ તરઘરા ગામના 70 વર્ષીય અરજણ ખોડા ચાવડા દ્વારા સગીરા પર લાંબા સમયથી દુરવ્યવહાર થતા હોવાનો આક્ષેપ છે.
તબિયત બગડતા હોસ્પિટલ ખસેડી
સગીરાને અચાનક તબિયત બગડતા પરિવારજનોએ તેને હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકને વધુ સારવારની જરૂર હોવાથી તેને ભાવનગર ખસેડવામાં આવ્યો છે.
પોલીસે આરોપીને દબોચ્યો
સગીરાના પરિવારે આ ઘટના અંગે 1 ડિસેમ્બરે પાળીયાદ પોલીસ મથકે અરજણ ખોડા ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસએ 2 ડિસેમ્બરે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો.
'સગીરા સાથે અપરાધ કરનારાને કડકમાં કડક સજા થવી જોઈએ'
આ ગંભીર ઘટનાને પગલે ગઈકાલે રાત્રે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ ગીતાબેન પટેલ બોટાદ હોસ્પિટલ પહોંચી સગીરા અને પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યમાં વધી રહેલી મહિલાઓ અને બાળાઓ સામેની અપરાધિક ઘટનાઓને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગીતાબેન પટેલે જણાવ્યું કે સગીરા સાથે અપરાધ કરનારાને કડકમાં કડક સજા થવી જોઈએ, પીડિતાને યોગ્ય ન્યાય મળે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કોંગ્રેસ દ્વારા સશક્ત લડત ચલાવવામાં આવશે.






