Home Business 1 December 2025 New Rules Changes Aadhaar Card Repo Rate Lpg Price Labour Code

1 ડિસેમ્બરથી દેશભરમાં લાગુ થશે 4 મોટા ફેરફારો : આધાર કાર્ડથી લઈને સેલેરી અને EMI પર થશે સીધી અસર

1 ડિસેમ્બરથી દેશભરમાં લાગુ થશે 4 મોટા ફેરફારો
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 05:30 PM IST

વર્ષ 2025નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. પહેલી તારીખથી દેશમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે જે સીધા સામાન્ય માણસના ખિસ્સા અને રોજિંદા જીવન પર અસર કરશે. ગેસ સિલિન્ડરના ભાવ હોય કે પછી બેંકની લોન દરેક જગ્યાએ નવા નિયમો અને ફેરફારો જોવા મળશે. આ ઉપરાંત હવે તમારી ઓળખ સમાન આધાર કાર્ડના દેખાવમાં પણ મોટો બદલાવ આવવાનો છે. ચાલો જાણીએ આ ચાર મુખ્ય ફેરફારો વિશે જે તમારે જાણવા ખૂબ જરૂરી છે.

આધાર કાર્ડનો લુક બદલાશે આધાર કાર્ડનું નિયમન કરતી સંસ્થા યુઆઈડીએઆઈ દ્વારા લોકોની સુરક્ષા અને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ડિસેમ્બર 2025થી આધાર કાર્ડનું સ્વરૂપ બદલાઈ જશે. અત્યાર સુધી કાર્ડ પર નામ સરનામું અને મોબાઈલ નંબર જેવી વિગતો લખાણમાં જોવા મળતી હતી પરંતુ હવે નવા કાર્ડમાં માત્ર ક્યુઆર કોડ અને ફોટોગ્રાફ જ જોવા મળશે. વ્યક્તિની ઓળખની ખરાઈ કરવા માટે આ ક્યુઆર કોડને ખાસ એપ દ્વારા સ્કેન કરવામાં આવશે અને ત્યારબાદ ફેસ રેકોગ્નિશન ટેકનોલોજી દ્વારા વેરિફિકેશન થશે.

લોન સસ્તી થવાની આશા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મહત્વની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક ડિસેમ્બર મહિનાની 3 તારીખે યોજાવાની છે. નાણાકીય નિષ્ણાતોના મતે આ વખતે રેપો રેટમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. જો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવે તો હોમ લોન અને કાર લોન જેવી વિવિધ લોનના હપ્તા ભરતા લોકોને મોટી રાહત મળી શકે છે. મોંઘવારીને કાબૂમાં લેવા અને અર્થતંત્રને વેગ આપવા માટે આ નિર્ણય મહત્વનો સાબિત થઈ શકે છે.

નોકરિયાત વર્ગ માટે નવા લેબર કોડ નોકરિયાત વર્ગ માટે ડિસેમ્બર મહિનો મહત્વનો સાબિત થઈ શકે છે. દેશમાં વેજ કોડ 2019 સહિતના નવા લેબર કોડના અમલીકરણને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ નવા નિયમો મુજબ કર્મચારીઓની બેઝિક સેલેરી કુલ પગારના 50 ટકા હોવી ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત પીએફ અને ગ્રેચ્યુઈટીના નિયમોમાં પણ મોટા ફેરફાર થશે. એવી શક્યતા છે કે હવે પાંચ વર્ષની રાહ જોવાને બદલે એક વર્ષની નોકરી બાદ પણ ગ્રેચ્યુઈટી મળી શકશે. જોકે આ અંગે સરકાર તરફથી સત્તાવાર ગાઈડલાઈન્સ આવ્યા બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે ઓઈલ અને ગેસ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને આધારે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ નક્કી થાય છે. પહેલી ડિસેમ્બરે સવારે ગેસના ભાવ વધશે કે ઘટશે તેના પર સૌની નજર રહેશે કારણ કે આ ફેરફાર ગૃહિણીઓના બજેટ પર સીધી અસર કરે છે. શિયાળાની શરૂઆતમાં ગેસના ભાવમાં થતો ફેરફાર સામાન્ય જનતા માટે ખૂબ મહત્વનો હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now