Home Gujarat 1 Arrested For Taking Bribe Of Rs 3 Lakh On Behalf Of Jafrabad Marine Police Personnel

ACBની સફળ ટ્રેપ : જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વતી રૂ.3 લાખની લાંચ લેતા 1 ઝડપાયો

ACBની સફળ ટ્રેપ
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 05:17 AM IST

રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે સતત કાર્યવાહી કરી રહેલી એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) ને એક વધુ મોટી સફળતા મળી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં એ.સી.બી. દ્વારા ગોઠવાયેલ લાંચના ટ્રેપમાં રૂ.3 લાખની લાંચ સ્વીકારતા એક શખ્સને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની સંડોવણી બહાર આવી છે.

રૂ.3 લાખની લાંચ લેતા એક શખ્સ ઝડપાયો

આ મામલામાં ફરિયાદી એક જાગૃત નાગરિક છે. આરોપીઓમાં (1) આર.એમ. રાધનપુરા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન (2) આશિષસિંહ ઝાલા, પોલીસ કર્મચારી, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન તથા (3) આરીફભાઈ અકબરઅલી રવજાણી, રહેવાસી મોણપર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગરનો સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી તથા સાક્ષી સામે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ હતો, જેની તપાસ આ કેસના આક્ષેપિત નંબર-1 ચલાવી રહ્યા હતા. ફરિયાદી સામે પાસા કાર્યવાહી ન કરવા તેમજ સાક્ષીના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવા બદલ આક્ષેપિત નંબર-1 અને 2ની વતી આક્ષેપિત નંબર-3 દ્વારા રૂ.3,00,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી.

મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માંગી હતી 3 લાખની લાંચ

ફરિયાદી અને સાક્ષી લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. દ્વારા આયોજનબદ્ધ રીતે લાંચનો ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આક્ષેપિત નંબર-3 આરીફભાઈ રવજાણીએ રૂ.3 લાખની લાંચ સ્વીકારી હતી, જ્યારે આક્ષેપિત નંબર-2 દ્વારા ટેલિફોન પર લાંચ બાબતે કન્ફર્મેશન આપીને હેતુલક્ષી વાતચીત કરવામાં આવી હતી. આ રીતે આક્ષેપિતોએ એકબીજાના ગુનામાં મદદગારી કરી હતી. આ ટ્રેપ 21 જાન્યુઆરી 2026ના રોજ મોજે સહયોગ હોટલ પાસે, રાજુલા તાલુકા, જિલ્લો અમરેલી ખાતે યોજાયો હતો, જ્યાં આક્ષેપિત નંબર-3ને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. લાંચની માંગણી, સ્વીકાર તથા પરત મેળવેલ રકમ તમામ રૂ.3,00,000 હતી. જ્યારે આક્ષેપિત નંબર-1 અને 2 ટ્રેપના સ્થળે હાજર મળી આવ્યા નહોતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now