Today weather 27 July 2025: હવે દેશભરમાં ચોમાસુ બરાબર જામી રહ્યું છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેને કારણે કેટલાંક ભાગોમાં ભારે વરસાદને પગલે સ્થિતિ તંગ બની છે. તો કેટલાંક ભાગોમાં મેઘરાજા હજી ધીરે-ધીરે પધરામણી કરી રહ્યાં છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના વિવિધ ભાગોમાં હાલ વરસાદી મોહાલ છવાયેલો છે. ત્યારે જાણીએ કે વર્તમાનમાં કયા રાજ્યોમાં વરસાદની કેવી અસર વર્તાઈ રહી છે.
કેરળ:
ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ, દરિયાકાંઠે ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં વરસાદી ખતરો વધ્યો છે. કર્ણકુલમ, ઇડુક્કી અને ત્રિશુર માટે IMDએ રેડ એલર્ટ જાહેર કર્યો છે. પલક્કડ, વાયનાડ અને મલપ્પુરમ સહિત અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ લાગુ કરવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ અને 50-60 કિમી પ્રતિ કલાકના પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી પર પ્રતિબંધ અને કડક ચેતવણી આપવામાં આવી છે.
રાજસ્થાન:
દક્ષિણ અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. નવી હવામાન પ્રણાલીના કારણે રાજસ્થાનમાં વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ-પૂર્વ અને પૂર્વ રાજસ્થાનમાં 27-28 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જયપુર હવામાન કેન્દ્ર અનુસાર, પૂર્વ રાજસ્થાનમાં વરસાદ 29-30 જુલાઈ સુધી જારી રહી શકે છે. આ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક વાસીઓ માટે આગાહી ખુબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
નવી દિલ્હી:
આજે 27 જુલાઈ 2025ના રોજ દિલ્લી-એનસીઆરમાં ફરી એકવાર ભેજ અને તાપમાનની મુશ્કેલી જોવા મળી છે. હવામાન વિભાગે ગઈકાલે વરસાદની આગાહી કરી હતી, પરંતુ કેલેન્ડર ઉપર વરસાદનો દિવસ હોવા છતાં, આકાશ સાફ રહ્યો અને લોકો ઉકળાટથી ત્રાસી ઊઠ્યા. રાજધાનીનું મહત્તમ તાપમાન આજે 36°C સુધી પહોંચી ગયું. હવામાન વિભાગે આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને રોહિણી, નરેલા, પીતમપુરા, બાદલી, મુંડકા, પશ્ચિમ વિહાર અને પંજાબી બાગ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ઉત્તર પ્રદેશ:
યુપીના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. લખનઉ, બાંદા, ચિત્રકૂટ, આગ્રા, પ્રયાગરાજ, સોનભદ્ર, મિર્ઝાપુર, મુરાદાબાદ, રામપુર અને બરેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. પછાત વિસ્તારો જેમ કે પીલીભીત, ઝાંસી, મહોબા અને હમીરપુરમાં પણ ભારે વરસાદ માટે એલર્ટ છે. સાથે સાથે કાનપુર, ફર્રુખાબાદ અને લખીમપુર ખેરીમાં વીજળી સાથે ધોધમાર વરસાદ થઈ શકે છે.
બિહાર:
આજના દિવસે બિહારના અનેક વિસ્તારોમાં તડકાનો કહેર રહ્યો છે, પરંતુ હવામાન વિભાગે આવનારા દિવસોમાં થોડી રાહતની શક્યતા બતાવી છે. પટણા, બેગુસરાય, નવાદા, મઢુબની, ગુપાલગંજ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ સાથે ભારે પવન ચાલી શકે છે.
ગુજરાતઃ
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 4 જિલ્લાઓને રેડ એલર્ટ તો 26 જિલ્લાને યલો-ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્યમાં હવે મેઘરાજા બોલાવશે ધડબડાટી. આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 3 દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ.
ભારતના વિવિધ વિસ્તારોમાં આજના દિવસે વિવિધ પ્રકારનું હવામાન જોવા મળ્યું છે. જ્યાં એક તરફ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લોકો ઉકળાટથી પરેશાન છે, ત્યાં બીજી તરફ દક્ષિણ અને પૂર્વ ભારતમાં વરસાદના કારણે લોકોને થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા અપાતી ચેતવણીઓ મુજબ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે સતર્ક રહેવું જરૂરી બન્યું છે.






