logo-img
Stock Market Today 25 February 2026 After Heavy Turmoil The Stock Market Closed In Green Know Which Stocks Were Bullish

Stock Market Today : છેલ્લી 30 મિનિટમાં પલટાયો ખેલ! ભારે ઉથલપાથલ બાદ શેરબજાર લીલા નિશાનમાં બંધ, જાણો કયા શેરોમાં રહી તેજી

Stock Market Today
Published by: Offbeat Team
| Last Updated: Feb 25, 2026, 10:33 AM IST

મુંબઈ: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ કોઈ રોમાંચક ફિલ્મી વાર્તાથી ઓછો નહોતો. બુધવારે બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી, પરંતુ બપોરના સમયે અચાનક આવેલી વેચવાલીએ રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. જોકે, ટ્રેડિંગના છેલ્લા કલાકમાં અને ખાસ કરીને અંતિમ 30 મિનિટમાં બાજી પલટાઈ ગઈ હતી. નીચલા સ્તરેથી આવેલી જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યા હતા. આજના વ્યવહારમાં આઈટી અને ઓટો સેક્ટરે બજારને ટેકો આપ્યો હતો, જ્યારે બેન્કિંગ શેરોમાં નરમાશ જોવા મળી હતી.

બજારમાં આજે સવારથી જ વોલેટિલિટી જોવા મળી રહી હતી. એક સમયે એવું લાગતું હતું કે બજાર લાલ નિશાનમાં બંધ થશે, પરંતુ આખરી કલાકોમાં શોર્ટ કવરિંગ અને નવી ખરીદીને કારણે સેન્સેક્સ આશરે 50 પોઈન્ટના વધારા સાથે 82,276 પર અને નિફ્ટી 58 પોઈન્ટ વધીને 25,483 ના સ્તર પર બંધ થયા હતા. ભલે બજાર વધારા સાથે બંધ થયું, પરંતુ તે દિવસના ઉચ્ચ સ્તરોથી નીચે આવીને ક્લોઝ થયું છે.

સેક્ટરવાર સ્થિતિ: આઈટી અને ઓટો બન્યા માર્કેટના 'હીરો'

આજના ટ્રેડિંગમાં આઈટી સેક્ટરે પાંચ દિવસના ઘટાડા બાદ શાનદાર વાપસી કરી હતી. L&T ટેકનોલોજી સર્વિસિસ 4% ના ઉછાળા સાથે સેક્ટરનો ટોપ ગેઈનર રહ્યો હતો. બીજી તરફ, ફેબ્રુઆરી મહિનાના મજબૂત વ્હીકલ રજિસ્ટ્રેશન ડેટાને કારણે ઓટો સેક્ટરમાં પણ તેજી જોવા મળી હતી, જેમાં Hero MotoCorp 4% વધ્યો હતો.

વેદાંતામાં 5% નો ઉછાળો, મેટલ શેરો ચમક્યા

મેટલ અને કોમોડિટી શેરોમાં આજના દિવસે ખાસ ઉત્સાહ હતો. દિગ્ગજ કંપની Vedanta ના શેરમાં 5% ની તેજી આવી હતી, કારણ કે બ્રોકરેજ ફર્મ BofA એ શેરને 'બાય' રેટિંગ આપી ટાર્ગેટમાં 75% નો વધારો કર્યો છે. આ ઉપરાંત ચાંદીના વધતા ભાવને કારણે MCX અને Hindustan Zinc પણ 4% સુધી વધ્યા હતા.

સોલર શેરોમાં કડાકો: અમેરિકાના નિર્ણયની અસર

એક તરફ બજારમાં તેજી હતી, તો બીજી તરફ સોલર સેક્ટરના શેરો જેવા કે Waaree Energies અને Premier Energies માં 6% થી 10% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા ભારતીય સોલર ઈમ્પોર્ટ પર 126% ની ભારે ડ્યુટી લાદવાનો નિર્ણય છે.

રેલવે શેર IRFC માં ગાબડું

રેલવે સેક્ટરના લોકપ્રિય શેર IRFC માં 4% થી વધુનો ઘટાડો નોંધાયો હતો. સરકારે OFS (Offer for Sale) દ્વારા કંપનીમાં પોતાનો 4% હિસ્સો વેચવાની યોજના બનાવી હોવાથી રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું.

ડોલર સામે રૂપિયો 90.95 પર સ્થિર

કરન્સી માર્કેટમાં ભારતીય રૂપિયો આજે લગભગ સપાટ સ્તરે બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો 90.95 ના સ્તર પર બંધ થયો છે, જે ગઈકાલના સ્તરની સમાન છે. કાચા તેલની કિંમતો અને ગ્લોબલ સંકેતોની વચ્ચે રૂપિયામાં આજે કોઈ મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો નહોતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now