Home Gujarat Public Outrage In Morbi Mla Kanti Amrutiya Faces Protests Over Road Sewer And Water Issues

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને મતદારોએ બતાવ્યો મિજાજ : ગોપાલ ઈટાલિયા સામે રાજીનામાંની ચેલેન્જના વરઘોડા બાદ મતવિસ્તારમાં વિવાદ! રોડ, ગટર-પાણી મુદ્દે ચક્કાજામ

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને મતદારોએ બતાવ્યો મિજાજ
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 10:09 AM IST

Kanti Amrutiya: હાલમાં જ રાજીનામાંની ચેલેન્જના નામે મોરબીથી ગાંધીનગર વરઘોડો કાઢનારા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો હવે સ્થાનિક કક્ષાએ વિરોધ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા સામે ચેલેન્જમાં ઉતરેલાં અમૃતિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામાંની એક્શન કરીને માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે સ્થાનિક કક્ષાએ રોડ-રસ્તા, ગટરો અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે ભારે વિરોધ દેખાઈ રહ્યો છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સ્થાનિકોએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યું છે.

આમ, ગાંધીનગરમાં સમર્થકો સાથે તામજામ કરીને માહોલ બનાવનારા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા હવે સ્થાનિક સ્તરે જ વિવાદમાં આવ્યાં છે. કામકાજના અભાવને કારણે સ્થાનિકોમાં રોજ છે. મોરબીમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. અહીં નેતા અને જનતા વચ્ચેનો સીધો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યું છે. મહત્ત્વનું છે કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તેઓ લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ચક્કાજામ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિરોધ કરનાર મોટી સંખ્યામાં એકઠા થતા તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. તેમની સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક રોડ-રસ્તા સુધારવામાં આવે, ગટરો સાફ કરવામાં આવે અને પાણીની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. વારંવાર રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી ના કરવામાં આવતા લોકોમાં આક્રોશ ભભૂક્યો છે.

ખરાબ રોડ-રસ્તા, ગટર અને પાણીનો પ્રશ્નઃ

સ્થાનિકોએ કહ્યું છે કે, અહીં ગટરો 24 કલાક અને 365 દિવસ ઉભરાયેલી રહે છે. આના કારણે મચ્છરનો ઉપદ્રવ થાય છે અને બીમારી ફેલાવવાનો ભય રહે છે. ગટરનું પાણી શેરીઓ અને ઘરોમાં પણ પ્રવેશે છે, જેનાથી સ્વચ્છતા જળવાતી નથી અને બાથરૂમ પણ ભરાઈ રહે છે. તો કાલિકા પ્લોટમાં છેલ્લા 10 વર્ષથી એકાંતરે પાણી આવે છે. જ્યારે આખા ગામમાં નર્મદાનું પાણી આવતું હોવા છતાં તેમને નથી મળતું. પાણી પણ સમય વગરનું આવે છે.

અમૃતિયા-ઇટાલિયા વચ્ચે શું હતો વિવાદ?

તાજેતરમાં ગોપાલ ઇટાલિયા સાથેના રાજકીય વિવાદને કારણે કાંતિ અમૃતિયા પણ ચર્ચામાં છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી જીતી બતાવે તેવો પડકાર ફેંક્યો હતો. જેને સ્વીકારી ઇટાલિયાએ કાંતિ અમૃતિયા 12 જુલાઈ સુધીમાં રાજીનામું આપી બતાવે તેવી ચેલેન્જ ફેંકી હતી. આથી કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે આવો ગાંધીનગર આપણે સાથે રાજીનામા આપીએ. આ પડકાર સ્વીકારીને 14 જુલાઈ 2025ના રોજ કાંતિ અમૃતિયા વિધાનસભા રાજીનામુ આપવા પહોંચ્યા હતા. પરંતુ ગોપાલ ઈટાલિયા ન આવતા તેઓ રાજીનામુ આપ્યા વગર પરત ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now