Home National Mathura Yamuna Boat Capsized Kc Ghat Accident 8 Devotees Live Lost 15 Rescue

યમુના નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી હોડી પલટી : 8થી વધુના કરુણ મોત, 15નું દિલધડક રેસ્ક્યૂ

Vrindavan Yamuna Boat Capsized
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 10, 2026, 01:18 PM IST

Mathura Boat Accident: ઉત્તર પ્રદેશના મથુરામાં આજે શુક્રવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. વૃંદાવનના વિશ્વપ્રસિદ્ધ કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદીમાં પલટી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 8 થી વધુ શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ઘટના બાદ સમગ્ર વૃંદાવન અને મથુરામાં શોકનું મોજું ફરી વળ્યું છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં 15 લોકોને નદીના પ્રવાહમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હોડીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો સવાર હોવાથી અને નદીમાં રહેલા સ્ટ્રક્ચર સાથે ટકરાવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા કેટલાક શ્રદ્ધાળુઓની સ્થિતિ નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

પેન્ટૂન પુલ સાથે અથડાતા હોડી ડૂબી

દુર્ઘટના અંગે વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે, હોડી વૃંદાવનથી માન તરફ જઈ રહી હતી. હોડીમાં અંદાજે 25 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા. જ્યારે હોડી કેસી ઘાટ પાસે પહોંચી ત્યારે નદીમાં કામચલાઉ રીતે બનાવવામાં આવેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે તે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે નાવિક હોડી પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને જોતજોતામાં હોડી ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.

સ્થાનિકો અને તરવૈયાઓએ જીવના જોખમે કર્યું રેસ્ક્યૂ

હોડી પલટતા જ નદીમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘાટ પર હાજર સ્થાનિક લોકો અને પ્રોફેશનલ તરવૈયાઓ તરત જ નદીમાં કૂદી પડ્યા હતા. પોલીસ અને એસડીઆરએફની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ 15 લોકોને બહાર કાઢી લીધા હતા. બચાવવામાં આવેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કઠણથી કઠણ કાળજું કંપી ઉઠે તેવો અકસ્માત : ઊભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ કાર, ગાડીનું પતરું કાપી બહાર કાઢ્યો મૃતદેહ

બેદરકારીના આક્ષેપો સાથે તપાસ શરૂ

શ્રદ્ધાળુઓના મોત બાદ તંત્રની કામગીરી અને હોડી ચાલકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હોડીમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો કેમ બેસાડવામાં આવ્યા અને લાઈફ જેકેટ જેવી સુરક્ષાની વ્યવસ્થા કેમ નહોતી, તે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now