Home National Maharashtra Political Crisis 14 Mlas May Join Eknath Shinde Camp

મહારાષ્ટ્રમાં સત્તાનું સમીકરણ બદલાશે? : 6 સાંસદો બાદ હવે 14 ધારાસભ્યો પણ બળવાના મૂડમાં, ઠાકરેએ બોલાવી તાત્કાલિક બેઠક

Maharashtra Political Crisis 2026
Image Credit: @ShelarAshish
Published by: Nirali Gohil
Last Updated: Jun 22, 2026, 09:37 AM IST

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો સામે આવી રહ્યા છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ હવે નવા તબક્કામાં પ્રવેશી હોય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરેના કેટલાક સાંસદો અને ધારાસભ્યોમાં અસંતોષ વધ્યો છે, જેના કારણે પક્ષમાં ફરી એકવાર મોટા ભંગાણની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોનો દાવો છે કે, શિવસેના UBTના 6 સાંસદો બાદ હવે 14 જેટલા ધારાસભ્યો પણ એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથ સાથે જવા અથવા અલગ રાજકીય જૂથ બનાવવાના મૂડમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ ચર્ચાઓએ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક બોલાવી ધારાસભ્યોની બેઠક

પક્ષમાં સંભવિત અસંતોષ અને ધારાસભ્યોના પક્ષપલટાની અટકળો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક તમામ ધારાસભ્યોની ઈમરજન્સી બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ આ બેઠક મુંબઈના 'શિવાલય' ખાતે યોજાઈ રહી છે, જેમાં ધારાસભ્યોની વફાદારી અને પક્ષની આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠક પહેલાં પણ પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. શિવસેના UBT માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આગામી દિવસોમાં પક્ષની રાજકીય દિશા નક્કી કરવામાં તેનો મોટો ફાળો રહી શકે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં મહાયુતિનો દબદબો : 17માંથી 16 બેઠકો પર જીત; કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે-શરદ પવારના પત્તા સાફ

જો 14 ધારાસભ્યો જશે તો શું થશે?

હાલ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે આશરે 20 ધારાસભ્યો છે. જો ચર્ચા મુજબ 14 ધારાસભ્યો પક્ષ છોડે તો પક્ષનું સંખ્યાબળ માત્ર 6 સુધી સીમિત થઈ શકે છે. આવી સ્થિતિ સર્જાય તો તે ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય આંચકો ગણાશે. રાજકીય વિશ્લેષકોના મતે જો મોટા પાયે ધારાસભ્યો પક્ષ બદલે છે તો મહારાષ્ટ્રની રાજકીય સમીકરણોમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે. જોકે હાલ તમામ ચર્ચાઓ સૂત્રો આધારિત છે અને સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.

બળવાખોર સાંસદો દિલ્હીમાં કરી શકે છે મોટી જાહેરાત

બીજી તરફ એવી પણ ચર્ચા છે કે શિવસેના UBTના કેટલાક નારાજ સાંસદો દિલ્હીમાં મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના આગામી રાજકીય નિર્ણય અંગે જાહેરાત કરી શકે છે. જો આવું બને તો મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવી શકે છે. શિંદે જૂથના નેતાઓનું માનવું છે કે, જો વધુ નેતાઓ તેમના ગઠબંધનમાં જોડાશે તો મહાયુતિ વધુ મજબૂત બનશે અને કેન્દ્રમાં NDA ગઠબંધનની રાજકીય સ્થિતિને પણ ફાયદો થશે.

આ પણ વાંચો: NEET પેપર લીક વિરોધ : જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ત્રીજા દિવસે પણ યથાવત


આદિત્ય ઠાકરેએ સરકાર પર કર્યા પ્રહાર

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શિવસેના UBTના નેતા આદિત્ય ઠાકરેએ ભાજપ અને સત્તાધારી ગઠબંધન પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે સત્તાધારી પક્ષો વિકાસ અને જનહિતના મુદ્દાઓને બદલે માત્ર રાજકીય તોડફોડમાં વ્યસ્ત છે. આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, દેશ સામે મોંઘવારી, પાણીની સમસ્યા, ખેડૂતોના પ્રશ્નો અને આંતરિક સુરક્ષા જેવા મહત્વપૂર્ણ પડકારો છે, પરંતુ સરકારનું ધ્યાન રાજકીય વિરોધીઓને નબળા પાડવામાં વધુ છે. તેમણે કહ્યું કે જનતાના મૂળ પ્રશ્નો પર કામ કરવાની જગ્યાએ રાજકીય સમીકરણો બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રની રાજનીતિ પર સૌની નજર

શિવસેના UBTમાં સંભવિત ભંગાણની ચર્ચાઓ વચ્ચે હવે સૌની નજર ઉદ્ધવ ઠાકરેની બેઠક, બળવાખોર નેતાઓના આગામી પગલાં અને શિંદે જૂથની રાજકીય ચાલો પર ટકેલી છે. આગામી કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ મોટા ફેરફારો જોવા મળી શકે છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now