Home National Ayodhya Ram Mandir Vip Darshan Controversy Donation Allegations

રસીદ વગર ચઢાવો લઈને કરાવતા હતા રામલલાના ખાસ દર્શન : જાણો શું છે અયોધ્યામાં VIP દર્શનના નિયમો

Ayodhya Ram Mandir VIP Darshan Controversy
Image Credit: @ShriRamTeerth
Published by: Nirali Gohil
Last Updated: Jun 22, 2026, 08:49 AM IST

Ayodhya Ram Mandir VIP Darshan Controversy: અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને તાજેતરમાં ઉભા થયેલા વિવાદે હવે નવું વળાંક લીધું છે. મંદિરના ચઢાવા અને દાનના સંચાલન અંગે ઉઠેલા પ્રશ્નો વચ્ચે હવે VIP દર્શનની વ્યવસ્થા પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. કેટલાક લોકો દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સામાન્ય શ્રદ્ધાળુઓ માટે લાગુ નિયમોથી અલગ રીતે કેટલાક લોકોને વિશેષ પ્રવેશ અને ખાસ દર્શનની સુવિધા આપવામાં આવતી હતી. આરોપો અનુસાર, મંદિર વ્યવસ્થાપન સાથે જોડાયેલા કેટલાક પ્રભાવશાળી લોકોના કહેવાથી સામાન્ય વ્યક્તિઓને પણ વિશેષ શ્રેણીમાં સામેલ કરીને રામલલાના નજીકથી દર્શન કરાવવામાં આવતા હતા. આ મુદ્દો સામે આવતા સમગ્ર વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે અને પારદર્શિતા અંગે ચર્ચા શરૂ થઈ છે.

અયોધ્યામાં VIP દર્શન માટે શું છે સત્તાવાર નિયમ?

રામ મંદિર ખાતે પૈસા આપીને VIP દર્શનની કોઈ સત્તાવાર વ્યવસ્થા નથી. મંદિરમાં સામાન્ય રીતે દરેક શ્રદ્ધાળુએ નિયમિત કતારમાં રહીને દર્શન કરવા પડે છે. જોકે વિશેષ પ્રોટોકોલ હેઠળ કેટલાક મહાનુભાવો, સરકારી અધિકારીઓ અથવા વિશિષ્ટ વ્યક્તિઓ માટે "સુલભ દર્શન"ની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ માટે એક નક્કી કરાયેલ ફોર્મ ભરવું પડે છે અને દર્શનના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં તેની નોંધણી કરાવવી જરૂરી હોય છે. અરજી મંજૂર થયા બાદ જ પ્રોટોકોલ દર્શનની મંજૂરી આપવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયાની સત્તાવાર નોંધ પણ રાખવામાં આવે છે.

આ પણ વાંચો: રામ મંદિર દાન વિવાદમાં મોટું અપડેટ : SITએ યોગી આદિત્યનાથને સોંપ્યો પ્રારંભિક રિપોર્ટ, 150થી વધુ લોકોની પૂછપરછ

સુરક્ષાના અનેક ઘેરા છતાં કેવી રીતે મળતી હતી ખાસ એન્ટ્રી?

રામ મંદિર દેશના સૌથી સુરક્ષિત ધાર્મિક સ્થળોમાંથી એક ગણાય છે. અહીં સ્થાનિક પોલીસ, PAC, SSF, CRPF અને અન્ય સુરક્ષા દળો ઉપરાંત ખાનગી સુરક્ષા કર્મચારીઓ પણ તહેનાત છે. આટલી કડક સુરક્ષા વચ્ચે કેટલાક પ્રભાવશાળી લોકોના સંકેત પર શ્રદ્ધાળુઓને સરળતાથી પ્રવેશ મળતો હોવાના આરોપો સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા કર્મચારીઓ માત્ર ચકાસણી અને સુરક્ષા પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ પ્રવેશ આપતા હતા. જો કે કેટલાક લોકોનો દાવો છે કે પ્રભાવશાળી વ્યક્તિઓના કહેવાથી કેટલીક વખત નિયમો કરતાં સંબંધોને વધુ પ્રાધાન્ય મળતું હતું.

ચઢાવો અને VIP દર્શન વચ્ચે શું છે વિવાદ?

વિવાદનું મુખ્ય કારણ એ છે કે કેટલાક શ્રદ્ધાળુઓએ એવો દાવો કર્યો છે કે તેઓએ રામલલાને દાન અથવા ચઢાવો અર્પણ કર્યો હતો, પરંતુ તેની સત્તાવાર રસીદ તેમને આપવામાં આવી નહોતી. કેટલાક લોકોનું કહેવું છે કે તેમને રસીદ બાદમાં મોકલી આપવામાં આવશે એવી વાત કહીને પરત મોકલી દેવામાં આવ્યા હતા. આરોપ લગાવનારા લોકોનું માનવું છે કે, ખાસ દર્શનની વ્યવસ્થા અને ચઢાવાના સંચાલન વચ્ચે કોઈ સંબંધ હતો કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ. જોકે આ તમામ આરોપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

આ પણ વાંચો: ફૂટેજ ડિલીટ, ગણતરીમાં ગોટાળા... રામ મંદિર કેસમાં SITને શું મળ્યું? : જાણો 10 મોટા ચોંકાવનારા ખુલાસા

દેશના અન્ય મંદિરોમાં પણ જોવા મળે છે આવી વ્યવસ્થા

ધાર્મિક સ્થળોના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેશના અનેક મોટા મંદિરોમાં વિશેષ મહેમાનો અથવા આમંત્રિત વ્યક્તિઓ માટે અલગ દર્શન વ્યવસ્થા સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે દાન, ચઢાવો અથવા વ્યવસ્થાપનની પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થાય છે ત્યારે આવી વ્યવસ્થાઓ પણ તપાસના દાયરામાં આવી જાય છે. અયોધ્યાના રામ મંદિરને લઈને ઉભા થયેલા તાજેતરના વિવાદ બાદ હવે સમગ્ર વ્યવસ્થા અંગે વધુ પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠી રહી છે.

તપાસ અને સ્પષ્ટતાની રાહ

હાલમાં આ મામલે વિવિધ આરોપો અને દાવાઓ સામે આવી રહ્યા છે. સત્તાવાર સ્તરે તમામ મુદ્દાઓની તપાસ અને સ્પષ્ટતા બાદ જ હકીકત સંપૂર્ણ રીતે સામે આવી શકશે. ત્યાં સુધી આ મામલો અયોધ્યા અને દેશભરના શ્રદ્ધાળુઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now