Home National Maharashtra Mlc Election Mahayuti Dominates Wins 16 Of 17 Seats

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં મહાયુતિનો દબદબો : 17માંથી 16 બેઠકો પર જીત; કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે-શરદ પવારના પત્તા સાફ

Maharashtra MLC Election
Image Credit: @Devendra_Office
Published by: Nirali Gohil
Last Updated: Jun 22, 2026, 08:42 AM IST

Maharashtra MLC Election: મહારાષ્ટ્રની વિધાન પરિષદ (MLC) ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે. કુલ 17 બેઠકોમાંથી 16 બેઠકો પર મહાયુતિના ઉમેદવારો વિજેતા બનતા રાજ્યના રાજકારણમાં ફરી એકવાર સત્તાધારી ગઠબંધનની મજબૂત પકડ જોવા મળી છે. બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની NCP (SP) માટે આ ચૂંટણી નિરાશાજનક સાબિત થઈ છે, કારણ કે ત્રણેય પક્ષો એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યા છે. લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હોવાની ચર્ચા વચ્ચે આવેલા આ પરિણામોએ સત્તાધારી મહાયુતિને મોટી રાજકીય રાહત આપી છે. ખાસ કરીને ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPએ મળીને વિપક્ષને લગભગ સંપૂર્ણપણે ચૂંટણી મેદાનમાંથી બહાર ધકેલી દીધો છે.

17માંથી 6 ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાયા

વિધાન પરિષદની કુલ 17 બેઠકોમાંથી 6 બેઠકો પર ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. તેમાં પુણેમાંથી વિક્રમ કાકડે, અહિલ્યાનગરમાંથી પ્રાજક્ત તાનપુરે, ઠાણેથી રવિન્દ્ર ફાટક, કોંકણમાંથી અનિકેત તટકરે, યવતમાળમાંથી દુષ્યંત ચતુર્વેદી અને વર્ધા-ગઢચિરૌલી-ચંદ્રપુરમાંથી અરુણ લાખાનીનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારો સત્તાધારી ગઠબંધન સાથે સંકળાયેલા હોવાથી ચૂંટણી પહેલાં જ મહાયુતિને મહત્વની રાજકીય લીડ મળી ગઈ હતી.

ભાજપે અનેક મહત્વની બેઠકો પર નોંધાવી જીત

ચૂંટણીના પરિણામોમાં સાંગલી-સાતારા, નાગપુર, ભંડારા-ગોંદિયા, અમરાવતી અને ધારાશિવ જેવી મહત્વપૂર્ણ બેઠકો પર ભાજપે જીત નોંધાવી છે. અમરાવતીમાં ભાજપના પૂર્વ મંત્રી પ્રવીણ પોટેને 390 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને એકપણ મત મળ્યો ન હતો. નાગપુરમાં ભાજપના ડૉ. રાજીવ પોટદારે કોંગ્રેસના અતુલ લોઢેને 552 મતના મોટા અંતરથી હરાવ્યા હતા. ધારાશિવ-લાતુર-બીડ વિસ્તારમાં ભાજપના બસવરાજ પાટીલે કોંગ્રેસના મહેશ દેશમુખને 721 મતના અંતરથી પરાજય આપ્યો હતો.

આ પણ વાંચો: NEET પેપર લીક વિરોધ : જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ત્રીજા દિવસે પણ યથાવત

શિવસેનાના મુસ્લિમ ઉમેદવારની જીત ચર્ચામાં

પરભણી-હિંગોલી બેઠક પર એકનાથ શિંદે જૂથની શિવસેનાના ઉમેદવાર સઈદ ખાને જીત મેળવી હતી. તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર ડૉ. વિવેક નવંદરને હરાવ્યા હતા. સઈદ ખાનની જીતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે શિવસેનાના મુસ્લિમ ઉમેદવાર તરીકે તેમની જીતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ભાજપના બળવાખોર ઉમેદવારે પણ નોંધાવી જીત

જોકે મહાયુતિએ લગભગ તમામ બેઠકો પર વિજય મેળવ્યો, પરંતુ નાગપુર વિસ્તારમાં ભાજપ માટે એક અણધાર્યો ઝટકો પણ સામે આવ્યો હતો. અહીં ભાજપના બળવાખોર ઉમેદવારે જીત મેળવી હતી, જેના કારણે એકનાથ શિંદેની શિવસેનાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં સમગ્ર ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો સત્તાધારી ગઠબંધનનો દબદબો સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે.

આ પણ વાંચો: CBSEએ 12મી રી-ઈવેલ્યુએશન અને વેરિફિકેશનના પરિણામો કર્યા જાહેર : જાણો કેવી રીતે ડાઉનલોડ કરી શકશો માર્કશીટ

વિપક્ષ માટે ચિંતાજનક સંકેત

કોંગ્રેસ, શિવસેના (UBT) અને શરદ પવારની NCP માટે આ પરિણામો ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પહેલેથી જ આંતરિક બળવાખોરીનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ વિધાન પરિષદ ચૂંટણીમાં ખાતું પણ ન ખૂલતા વિપક્ષી ગઠબંધનની રાજકીય સ્થિતિ વધુ નબળી થઈ હોવાનું માનવામાં આવે છે. આ પરિણામો આગામી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા ચૂંટણી માટે પણ મહત્વના સંકેતો આપી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે મહાયુતિની આ જીત રાજ્યમાં તેના સંગઠન અને મતદારો વચ્ચેની પકડને વધુ મજબૂત બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now