Home Gujarat Ahmedabad Ahmedabad Ai Traffic Signal Smart System Update

રેડ સિગ્નલ પર હવે નહીં જોવી પડે ખોટી રાહ! : અમદાવાદના 131 ટ્રાફિક સિગ્નલ થશે સ્માર્ટ! વાહનોની સંખ્યા જોઈને AI આપોઆપ બદલશે ટાઈમર!

Traffic
Published by: Suman Dabhi
Last Updated: Apr 24, 2026, 04:20 AM IST

Ahmedabad Traffic: કલ્પના કરો કે સવારના ધોમધખતા તાપમાં તમે ચાર રસ્તે પહોંચ્યા છો, પણ આગળ કોઈ વાહન જ નથી, છતાં સિગ્નલ લાલ જ છે અને કાઉન્ટડાઉન ચાલુ છે. આવી નિરાશાજનક સ્થિતિ હવે અમદાવાદમાં ભૂતકાળ બની રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી સિગ્નલોને સ્માર્ટ બનાવી દીધા છે. હવે વાહનોની સંખ્યા જોઈને જ સિગ્નલનો સમય આપોઆપ ઘટે અથવા વધે છે – ખાલી રસ્તે રાહ જોવાની જરૂર જ નહીં પડે!

પ્રાયોગિક તરીકે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કોરિડોર-2 હેઠળ નહેરુનગરથી ઇસ્કોન ક્રોસ રોડ સુધીના મુખ્ય જંક્શનો – નહેરુનગર, શિવરંજની, જોધપુર, સ્ટાર બજાર, રામદેવનગર અને ઇસ્કોન સર્કલ – પર AI કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા સતત વાહનોની ભીડ માપે છે અને તે મુજબ સિગ્નલના ટાઇમિંગમાં તાત્કાલિક ફેરફાર કરે છે. જ્યાં વાહનો વધુ હોય ત્યાં લીલો સિગ્નલ વધુ સમય માટે રહે અને જ્યાં ઓછા હોય ત્યાં તરત જ ટાઇમર ઘટી જાય છે.

AI સિસ્ટમ સમસ્યાનો સીધો ઉકેલ

અમદાવાદ શહેર ટ્રાફિક બ્રાંચના નાયબ પોલીસ કમિશનર (વહીવટ) ચિરાગ પટેલે આ વિશે વિગતે જણાવ્યું કે, “અત્યાર સુધી મોટાભાગના સિગ્નલોનો સમય ફિક્સ હતો. વાહનો હોય કે ન હોય, તે સમય સુધી ઊભા રહેવું જ પડતું. આનાથી વાહનચાલકોનો સમય બગડે અને અકળામણ વધે. AI સિસ્ટમ આ સમસ્યાનો સીધો ઉકેલ છે.” તેમણે ઉદાહરણ આપતાં કહ્યું, “જો 30 સેકન્ડનો મહત્તમ સમય હોય અને માત્ર 12 સેકન્ડમાં જ વાહનો પસાર થઈ જાય તો બાકીના 18 સેકન્ડ વેડફવાની જરૂર નથી. AI કેમેરા આપોઆપ આ ગણતરી કરશે.”

હાલમાં શહેરના કુલ 131 જંક્શનો પર કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 જંક્શનો પર AI સિસ્ટમ પૂરેપૂરી કાર્યરત છે. કેટલીક જગ્યાએ બ્રિજના કામ અને AMCના મેન્ટેનન્સને કારણે કેમેરા અસ્થાયી રીતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ ટ્રાફિકના વધતા ભારને જોતાં વધુ જંક્શનોને તરત જ કનેક્ટ કરવાની તૈયારી છે.

આ પણ વાંચો: 'જેમને સમાજે તરછોડ્યા, તેમને સુરેશભાઈ સોનીએ ગળે લગાવ્યા' : કુષ્ઠરોગીઓના મસીહા પદ્મશ્રી સુરેશભાઈ સોની અનંત યાત્રાએ

પ્રોજેક્ટને સતત વિસ્તારવાનું આયોજન

આખા શહેરના 1.25 કરોડ લોકો અને 75 લાખ વાહનોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને સતત વિસ્તારવાનું આયોજન છે. ચિરાગ પટેલે કહ્યું કે, “આ એક વન-ટાઇમ પ્રોજેક્ટ નથી, પરંતુ સતત અપગ્રેડ થતી પ્રક્રિયા છે. તમામ સિગ્નલોને AIથી સજ્જ બનાવવાનું આખરી લક્ષ્ય છે.”ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને જોધપુર, સ્ટાર બજાર અને રામદેવનગર જેવા જંક્શનો પર બપોરે 12થી સાંજે 4 વાગ્યા સુધી લો ટ્રાફિકમાં સિગ્નલને બ્લિંકર મોડમાં રાખવામાં આવે છે, જેથી વાહનચાલકોને તડકામાં અનાવશ્યક રાહ જોવી ન પડે.

આ AI સિસ્ટમથી માત્ર વાહનચાલકોનો સમય જ બચશે નહીં, પરંતુ ટ્રાફિક જામ ઘટશે, ઇંધણની બચત થશે અને ગરમીમાં અકળામણ પણ ઓછી થશે. અમદાવાદ હવે સ્માર્ટ સિટીના ખરા અર્થમાં સ્માર્ટ ટ્રાફિક તરફ આગળ વધી રહ્યું છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now