Anganwadi Modernization Project: અમદાવાદમાં બાળ વિકાસને નવું પરિમાણ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસે મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2026ને “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” તરીકે જાહેર કરીને ગુજરાત સરકારે આંગણવાડી કેન્દ્રોના કાયાકલ્પનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત અમદાવાદમાં AMC હસ્તકની કુલ 618 આંગણવાડીઓ પૈકી 386 કેન્દ્રોનું નવીનીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રયાસથી ભુલકાંઓ માટે આંગણવાડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે અને બાળ વિકાસની પ્રક્રિયા વધુ ગતિશીલ બનશે.

નવીનીકરણ ઝુંબેશની વિગતો
અમદાવાદમાં આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ અર્બન ઘટક 01થી 17માં હાલ 2128 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આમાંથી 386 કેન્દ્રોના નવીનીકરણ માટે રાજ્ય સરકારના અનુદાન અને AMCના ઝોનલ બજેટ તેમજ CSR ફંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવીનીકરણમાં માઇનર અને મેજર રિપેરિંગ સાથે ભૌતિક માળખું મજબૂત કરવામાં આવશે. આંગણવાડીઓને આધુનિક સુવિધાઓ જેવી કે સ્વચ્છ શૌચાલય, પીવાનું પાણી, રમતનાં સાધનો અને સુરક્ષિત રમતનું મેદાન પૂરું પાડવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મરામત નહીં, પરંતુ બાળકોને આકર્ષે તેવું શૈક્ષણિક અને રમતીય વાતાવરણ ઊભું કરવાનો છે.
BaLA પેન્ટિંગ અને શૈક્ષણિક વાતાવરણ
નવીનીકરણમાં ‘BaLA’ (Building as Learning Aid) પેન્ટિંગ પદ્ધતિનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિ અનુસાર દિવાલો પર રંગબેરંગી ચિત્રો, ગણિતના અંકો, બારખડી, અક્ષરો, આકારો, પ્રાણીઓ, ફળો-શાકભાજી અને કુદરતી દ્રશ્યો ચિતરવામાં આવશે. આનાથી બાળકો રમત-ગમતની સાથે પાયાનું શિક્ષણ મેળવી શકશે અને શીખવાની પ્રક્રિયા મનોરંજક બનશે. આંગણવાડી કેન્દ્રો બાળકો માટે રમતખેલનું અને શિક્ષણનું આદર્શ કેન્દ્ર બની રહેશે.
બાળ વિકાસ અને પોષણ પર ધ્યાન
આ ઝુંબેશ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ, આરોગ્ય અને પોષણનું સ્તર સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને પૂરક પોષણ અને શિક્ષણ મળે તે માટે કેન્દ્રોને સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. આ પગલાંથી બાળ મૃત્યુદર અને કુપોષણ ઘટાડવામાં મદદ મળશે. આઈ.સી.ડી.એસ. અને ઇજનેર વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ ઝુંબેશ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ નવીનીકરણ ઝુંબેશથી અમદાવાદના હજારો બાળકોને સુરક્ષિત, આધુનિક અને શિક્ષણપ્રિય આંગણવાડીઓ મળશે, જે ભવિષ્યની પેઢીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.




















