822 runs in a 50-over match : ભારતમાં હાલ જ્યારે IPL ની ધૂમ મચી છે અને દરરોજ હાઇ-સ્કોરિંગ મેચો જોવા મળી રહી છે, ત્યારે ક્રિકેટના મેદાન પરથી એક એવા સમાચાર આવ્યા છે જેને જોઈને આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. ઝિમ્બાબ્વેમાં રમાયેલી એક ડોમેસ્ટિક મેચમાં રનનો એવો વરસાદ થયો કે સ્કોર બોર્ડ પણ હાંફી ગયું. 50 ઓવરની ODI મેચમાં સામાન્ય રીતે 300 કે 350 રનનો સ્કોર સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ અહીં તો એક જ ટીમે 800 થી પણ વધુ રન ખડકીને નવો ઇતિહાસ રચી દીધો છે. ચાહકો હવે પૂછી રહ્યા છે કે, આ રિયલ ક્રિકેટ છે કે પછી પ્લે-સ્ટેશન પર રમાતી કોઈ વીડિયો ગેમ?
મેદાન પર રનનો ડુંગર
આ અવિશ્વસનીય મેચ સ્કોર્પિયન્સ ક્રિકેટ ક્લબ અને મિથેન લાયન્સ વચ્ચે '2025-26 માસવિંગો 50-ઓવર ફર્સ્ટ લીગ' માં રમાઈ હતી. મેચની શરૂઆત સ્કોર્પિયન્સના પક્ષમાં રહી હતી. કેપ્ટન પ્રેઝ મકાઝાએ ટોસ જીત્યા બાદ ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેદાનની સપાટ પિચ પર સ્કોર્પિયન્સના બેટ્સમેનો જાણે મિથેન લાયન્સના બોલરોની કારકિર્દી ખતમ કરવાના ઈરાદે ઉતર્યા હોય તેમ લાગતું હતું. નિર્ધારિત 50 ઓવરના અંતે સ્કોર્પિયન્સ ટીમે 822 રનનો વિશાળ સ્કોર બનાવીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો.
ઓપનર્સનો આતંક
ટીમના ઓપનિંગ બેટ્સમેન વિલ્ફ્રેડ માટેન્ડે અને તાકુન્ડા માડેમ્બોએ ઇનિંગની પહેલી જ ઓવરથી ચોગ્ગા અને છગ્ગાની હેલી સર્જી હતી. મિથેન લાયન્સના બોલરો પાસે આ તોફાનને રોકવાનો કોઈ રસ્તો નહોતો. વિલ્ફ્રેડ માટેન્ડેએ માત્ર 75 બોલમાં 203 રન ફટકારીને પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તેની આ વિસ્ફોટક ઇનિંગમાં 23 ચોગ્ગા અને 13 આકાશચુંબી છગ્ગા સામેલ હતા. પ્રથમ વિકેટ માટે 21.3 ઓવરમાં જ અધધ રન જોડાઈ ગયા હતા, જેના કારણે ટીમનો પાયો અત્યંત મજબૂત બન્યો હતો.
ઐતિહાસિક ટ્રિપલ સેન્ચુરી
વિલ્ફ્રેડના આઉટ થયા બાદ પણ મિથેન લાયન્સના બોલરોને કોઈ રાહત મળી નહોતી. બીજા છેડે ઉભેલા તાકુન્ડા માડેમ્બોએ રન બનાવવાની ગતિ જાળવી રાખી હતી. માડેમ્બોએ ODI ક્રિકેટના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવી ટ્રિપલ સદી ફટકારી હતી. તેને માત્ર 143 બોલ રમીને 302 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 50 વખત બોલ બાઉન્ડ્રીની બહાર (ચોગ્ગા) ગયો હતો અને 7 વખત સિક્સર વાગી હતી. એકલા માડેમ્બોનો સ્કોર જ વિરોધી ટીમની ક્ષમતા કરતાં વધારે સાબિત થયો હતો.
પહેલા જ બોલ પર જાદુ કર્યું પછી આખું કરિયર કોરું કટાક!: ભારતના આ ક્રિકેટરે બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ, છતાં કોઈ ભાવ પણ પૂછતું નથી
નિષ્ફળ બોલિંગ અને એક્સ્ટ્રા રન
મિથેન લાયન્સના બોલરો માટે આ દિવસ કોઈ દુઃસ્વપ્નથી ઓછો નહોતો. ટીમના દરેક બોલરે પોતાના સ્પેલમાં 100 થી વધુ રન લૂંટાવ્યા હતા. લાયન્સના બોલરોએ લાઇન અને લેન્થ ગુમાવી દેતા 79 વાઇડ અને 23 નો-બોલ સહિત કુલ 109 રન તો માત્ર એક્સ્ટ્રા (વધારાના) આપ્યા હતા. ગેબ્રિયલ જયાએ પણ વહેતી ગંગામાં હાથ ધોતા માત્ર 49 બોલમાં નોટઆઉટ 110 રન બનાવ્યા હતા, જ્યારે વિન્સેન્ટ મોયોએ 39 બોલમાં 78 રનનું યોગદાન આપ્યું હતું.
GT ની સતત જીત પાછળ શું છે સૌથી મોટું કારણ?: શુભમન ગિલનો આ માસ્ટરપ્લાન આવ્યો બહાર!
તાસના પત્તાની જેમ વિખેરાઈ ટીમ
823 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મિથેન લાયન્સની ટીમ પ્રથમ ઇનિંગના આઘાતમાંથી બહાર આવી શકી નહોતી. જે પિચ પર સ્કોર્પિયન્સના બેટ્સમેનો રનનો વરસાદ કરી રહ્યા હતા, ત્યાં જ લાયન્સના બેટ્સમેનો એક-એક રન માટે તરસી ગયા હતા. સ્કોર્પિયન્સના બોલરોએ પણ શાનદાર લય બતાવી અને મિથેન લાયન્સની આખી ટીમને માત્ર 28 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી. આ મેચમાં સ્કોર્પિયન્સે 794 રનથી જંગી વિજય મેળવ્યો હતો. જો આ લિસ્ટ-એ મેચ હોત તો આ એક અજેય વિશ્વ રેકોર્ડ બની ગયો હોત.





