Home Sports Sadagoppan Ramesh One Ball One Wicket Record

પહેલા જ બોલ પર જાદુ કર્યું પછી આખું કરિયર કોરું કટાક! : ભારતના આ ક્રિકેટરે બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ, છતાં કોઈ ભાવ પણ પૂછતું નથી

Sadagopan Ramesh
Published by: Aryan Shah
Last Updated: May 13, 2026, 10:29 AM IST

Magic on the very first ball : ક્રિકેટના મેદાનમાં રોજ નવા રેકોર્ડ સર્જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓ એટલા અજીબ હોય છે કે, તે ઇતિહાસના પાને હંમેશા માટે અંકિત થઈ જાય છે. દુનિયાનો દરેક ક્રિકેટર ઈચ્છે છે કે તેનું ડેબ્યૂ શાનદાર હોય, પરંતુ ભારતનો એક એવો ખેલાડી છે જેને પોતાની બોલિંગના પહેલા જ બોલ પર વિકેટ લઈને દુનિયાને ચોંકાવી દીધી હતી. જોકે, નસીબની રમત એવી રહી કે આ શાનદાર શરૂઆત પછી તેના આખા ઇન્ટરનેશનલ કરિયરમાં તેને બીજી કોઈ સફળતા મળી નહીં.

ક્રિકેટરની અનોખી સફર અને શરૂઆત

આ કહાની છે સદાગોપન રમેશની. 1990 ના દાયકાના અંતમાં જ્યારે ભારતીય ટીમ એક મજબૂત ઓપનિંગ જોડીની શોધમાં હતી, ત્યારે તમિલનાડુના આ લેફટી બેટ્સમેને એન્ટ્રી કરી હતી. રમેશ પોતાની ટેકનિક અને શાંત સ્વભાવ માટે જાણીતો હતો. તેને વર્ષ 1999 માં શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને પોતાની બેટિંગથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા. તે સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે, આ બેટ્સમેન બોલિંગમાં પણ કોઈ અનોખો રેકોર્ડ બનાવશે.

ઐતિહાસિક પ્રથમ બોલ અને વિકેટની સનસની

સદાગોપન રમેશે વનડે ક્રિકેટમાં પોતાની 14 મેચ રમી લીધી હતી, પરંતુ હજુ સુધી તેમણે ક્યારેય બોલિંગ કરી નહોતી. સપ્ટેમ્બર 1999 માં સિંગાપોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ દરમિયાન કેપ્ટને તેમને બોલિંગ સોંપી. રમેશ ઓફ-બ્રેક બોલિંગ કરતાં હતા. તેમણે પોતાના સ્પેલનો પહેલો બોલ ફેંક્યો અને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નિક્સન મિકલેન આઉટ થઈ ગયા. ડેબ્યૂ બોલ પર વિકેટ લેવી એ કોઈપણ બોલર માટે સપના સમાન હોય છે. સ્ટેડિયમમાં સનસની મચી ગઈ હતી અને રમેશ રાતોરાત ચર્ચામાં આવી ગયા હતા.

આ પણ ખાસ વાંચો : GT ની સતત જીત પાછળ શું છે સૌથી મોટું કારણ? : શુભમન ગિલનો આ માસ્ટરપ્લાન આવ્યો બહાર!

વર્લ્ડ રેકોર્ડ અને નસીબની વક્રતા

તે મેચમાં રમેશે 3 ઓવર ફેંકી 23 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આ અદભૂત શરૂઆત પછી અપેક્ષા હતી કે તે પાર્ટ-ટાઇમ બોલર તરીકે ટીમમાં ઉપયોગી થશે, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સદાગોપન રમેશ ભારત માટે કુલ 24 વનડે મેચ રમ્યા, જેમાં તેમણે અલગ-અલગ સમયે 6 ઓવર ફેંકી, પરંતુ તે એક વિકેટ બાદ તેને આખા કરિયરમાં ક્યારેય બીજી વિકેટ મળી નહીં. ટેસ્ટ ક્રિકેટમાં પણ 19 મેચોમાં તેમણે બોલિંગમાં હાથ અજમાવ્યો પણ ત્યાં પણ તેનું ખાતું ખાલી જ રહ્યું. આમ, તે એવો બોલર બન્યો જેણે પહેલા બોલે વિકેટ તો લીધી પણ કરિયરનો અંત માત્ર એક જ વિકેટ સાથે થયો.

આ પણ ખાસ વાંચો : એક બોલ… અને 22 રન! : RCB ના વિસ્ફોટક બેટ્સમેને સ્થાપ્યો વિશ્વ વિક્રમ!

બેટ્સમેન તરીકેની શાનદાર ઓળખ

ભલે બોલિંગમાં નસીબે સાથ ન આપ્યો, પણ રમેશ મુખ્યત્વે એક કુશળ બેટ્સમેન હતો. તેમણે 19 ટેસ્ટ મેચોમાં 37.97 ની એવરેજથી 1367 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 8 અડધી સદીનો સમાવેશ થાય છે. વનડેમાં પણ તેમણે 646 રન બનાવ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુ જેવા દિગ્ગજ ખેલાડીઓની વિદાય પછી, રમેશે થોડા સમય માટે ભારતીય ઓપનિંગમાં સ્થિરતા લાવી હતી. આજે પણ જ્યારે "વન બોલ વન્ડર" ની વાત આવે છે, ત્યારે સદાગોપન રમેશનું નામ આદર સાથે લેવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now