Home Gujarat Youth Mur Dered Near Private Hotel On Palanpur Highway

પાલનપુર હાઈવે પર ખાનગી હોટલ પાસે યુવકની હત્યા : પૈસાની લેતીદેતીમાં 10થી વધુ હુમલાખોરોનો જીવલેણ હુમલો

પાલનપુર હાઈવે પર ખાનગી હોટલ પાસે યુવકની હત્યા
Published by: OBS Bureau
Last Updated: Dec 21, 2025, 09:25 AM IST

બનાસકાંઠાના પાલનપુર શહેર નજીક અમદાવાદ - પાલનપુર હાઈવે પર એક ખાનગી હોટલ પાસે યુવકની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. ગત રાત્રે મોડા સમયે હાઈવે પર આવેલી ખાનગી હોટલના પાર્લર નજીક બે યુવકો પર અચાનક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, રાત્રે અચાનક 10 થી વધુ હુમલાખોરો ત્યાં ઘસી આવ્યા હતા અને બંને યુવકો પર હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ગંભીર ઈજાઓ પહોંચાડી થોડા જ સમયમાં ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી હતી.

મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક હાલ ખાનગી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝઝૂમી રહ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતીને કારણે આ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો આરોપીઓને પકડવા માટે સક્રિય બની ગઈ છે. હાઈવે પર આવેલી હોટલો અને મોડી રાત્રે ચાલતા પાન પાર્લરોને કારણે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોવાનું પણ ફરી એકવાર સામે આવ્યું છે.

બીજી તરફ, હત્યાની ઘટનાને પગલે ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એકત્ર થયા હતા. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેને કારણે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મૃતક યુવકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પોલીસે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now