Home International Yogi Vs Shankaracharya Avimukteswarananda Left Magh Mela Without Taking Sangam Snan Bath Know Whole Controversy

"મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારે..." : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સ્નાન કર્યા વગર જ માઘ મેળો છોડ્યો, રડતી આંખે કાશી રવાના; જાણો શું હતો આખો વિવાદ

"મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારે..."
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 05:11 AM IST

પ્રયાગરાજ: પ્રયાગરાજના માઘ મેળામાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા અને વિવાદનો આખરે અંત આવ્યો છે, પરંતુ તે ખૂબ જ પીડાદાયક રહ્યો છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સ્નાન કર્યા વગર જ માઘ મેળો છોડી દીધો છે અને તેઓ વેરવિખેર મને કાશી માટે રવાના થઈ ગયા છે. મોની અમાવાસ્યાના દિવસે પોલીસ દ્વારા પાલખી રોકવામાં આવ્યા બાદ શરૂ થયેલો આ વિવાદ મુખ્યમંત્રી અને શંકરાચાર્ય વચ્ચેના વાકયુદ્ધ સુધી પહોંચ્યો હતો. આખરે શંકરાચાર્યએ તંત્રના સ્નાન કરવાના પ્રસ્તાવને ફગાવી દઈ મેળામાંથી વિદાય લીધી છે.

તંત્રની માફી ન મળતા આખરે મેળો અધવચ્ચે છોડવાનો નિર્ણય

મેળો છોડતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અત્યંત વ્યથિત જણાયા હતા. તેમણે કહ્યું કે, "આજે મન એટલું દુઃખી છે કે અમે સ્નાન કર્યા વગર જ વિદાય લઈ રહ્યા છીએ. પ્રયાગરાજ હંમેશા આસ્થા અને શાંતિની ધરતી રહી છે, પણ અહીં જે બન્યું તેની ક્યારેય આશા નહોતી રાખી. આ ઘટનાએ ન્યાય અને માનવતા પરના મારા વિશ્વાસને ડગમગાવી દીધો છે." ઉલ્લેખનીય છે કે, વિવાદના કારણે શંકરાચાર્યએ માઘ મેળો નિર્ધારિત સમય કરતાં 18 દિવસ વહેલો છોડી દીધો છે.

તંત્રનો 'સન્માનપૂર્વક સ્નાન'નો પ્રસ્તાવ ફગાવ્યો

શંકરાચાર્યએ ખુલાસો કર્યો કે ગત રાત્રે માઘ મેળો પ્રશાસન દ્વારા તેમને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, "તમને પૂરા સન્માન સાથે પાલખીમાં બેસાડી સંગમ લઈ જવામાં આવશે, અધિકારીઓની હાજરીમાં સ્નાન કરાવાશે અને તમારા પર ફૂલો વરસાવવામાં આવશે." જોકે, શંકરાચાર્યએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. તેમણે કહ્યું કે જ્યારે હૃદયમાં પીડા અને ગુસ્સો હોય, ત્યારે પવિત્ર જળ પણ શાંતિ આપી શકતું નથી.

પોતાની હત્યાની આશંકા અને સરકાર પર આકરા પ્રહાર

ધરણા દરમિયાન શંકરાચાર્યએ પોતાની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે અહીં તેમની હત્યા કરવાનું કાવતરું પણ ઘડાઈ શકે છે. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, "જો મારી હત્યા થશે તો પણ આ તંત્ર મને જ દોષી ઠેરવશે. અગાઉના કુંભ મેળામાં અનેક લોકો મર્યા પણ શું કોઈ અધિકારી સામે કાર્યવાહી થઈ? બે-ચાર દિવસ મીડિયામાં સમાચાર આવશે અને પછી બધું ભૂલાઈ જશે."

શું હતો આખો વિવાદ?

  • પ્રયાગરાજ માઘ મેળામાં સર્જાયેલા આ વિવાદની શરૂઆત ૧૮ જાન્યુઆરીના રોજ થઈ હતી, જ્યારે મૌની અમાસના પવિત્ર સ્નાન માટે જઈ રહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પાલખીને પોલીસે અધવચ્ચે રોકી દીધી હતી. આ દરમિયાન પોલીસ અને શંકરાચાર્યના શિષ્યો વચ્ચે ઉગ્ર ધક્કામુક્કી થઈ હતી, જેમાં શિષ્યોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમની શિખા (ચોટલી) પકડીને તેમને ધસડ્યા હતા. આ અપમાનજનક ઘટનાના વિરોધમાં શંકરાચાર્યએ સ્નાન કરવાનું માંડી વાળ્યું અને પોતાના શિબિરની બહાર જ ૧૧ દિવસ સુધી ધરણા પર બેસી ગયા હતા.

  • આ વિવાદમાં રાજકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નિવેદનમાં કોઈનું નામ લીધા વગર ‘કાલનેમિ’ શબ્દનો પ્રયોગ કર્યો, જેને શંકરાચાર્યએ પોતાના માટેનું અપમાન ગણાવ્યું હતું. તેના જવાબમાં શંકરાચાર્યએ આક્રમક વલણ અપનાવીને મુખ્યમંત્રી યોગીની તુલના મુઘલ શાસક ઔરંગઝેબ અને કાલનેમિ સાથે કરી દીધી હતી. આ વાકયુદ્ધે વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું અને મામલો ધાર્મિકમાંથી વહીવટી સંઘર્ષ તરફ વળ્યો હતો.

  • આ દરમિયાન, વહીવટી તંત્ર દ્વારા શંકરાચાર્યને બે અલગ-અલગ નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં તેમની પાસે પોતે જ અસલી શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવામાં આવ્યા હતા. તંત્રના આ અણછાજતા પગલાથી સંત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ વિવાદની અસર સરકારી તંત્ર પર પણ જોવા મળી હતી, જેમાં શંકરાચાર્યના સમર્થનમાં બરેલીના સિટી મેજિસ્ટ્રેટે પોતાનું રાજીનામું આપી દીધું હતું, તો તેના જવાબમાં ૨૪ કલાકની અંદર જ અયોધ્યાના ડેપ્યુટી કમિશનરે મુખ્યમંત્રીના સમર્થનમાં પદ છોડી દીધું હતું. આ આખી ઘટનાએ ધર્મ અને સત્તા વચ્ચેના ગંભીર ટકરાવને સપાટી પર લાવી દીધો છે.

સંત સમાજમાં રોષ: "ભસ્માસુર ન બનો"

ઈન્દ્રપ્રસ્થ પીઠાધીશ્વર જગદગુરુ રામાનુજાચાર્ય સ્વામી યોગેશ્વરાચાર્યએ પણ આ મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, "જે સંતોના આશીર્વાદથી સિંહાસન મળ્યું છે, તેમને જ અપમાનિત ન કરો. સંતોને કાલનેમિ કહેનારા પોતે જ ભસ્માસુર બની રહ્યા છે."

શંકરાચાર્યની વિદાય બાદ પ્રયાગરાજમાં આવેલો તેમનો શિબિર હવે ખાલી કરવામાં આવી રહ્યો છે. તેઓ વેરવિખેર મને પણ સત્યના અનેક પ્રશ્નો છોડીને કાશી જવા રવાના થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now