વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલ મેચ રમાશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટાઈટલ માટે જોરદાર મુકાબલો થવાનો છે. સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સ જેવી સ્ટાર ક્રિકેટરોને સામસામે રમતી જોવા માટે ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે આજની ફાઇનલ મેચ માટેની તમામ ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે અને સ્ટેડિયમ હાઉસફુલ રહેવાનું નક્કી છે.
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આજે WPL ફાઇનલ
ફાઇનલ મેચમાં 30 હજારથી વધુ ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડવાના હોવાથી સ્ટેડિયમની અંદર તેમજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખશે. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીએ નવી મુંબઈથી થઈ હતી. પ્રારંભિક 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યારે બાકીની 11 મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આજે 5 ફેબ્રુઆરીએ ફાઇનલ સાથે આ સીઝનનો સમાપન થવાનો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલેથી જ ફાઇનલમાં પહોંચેલી હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું.
RCB–દિલ્હી કેપિટલ્સનો મહામુકાબલો
ક્રિકેટ સાથે સાથે બોલીવુડનો રંગ પણ આજની ફાઇનલમાં જોવા મળશે. WPLની ક્લોઝિંગ સેરેમનીમાં મલાઈકા અરોરા અને તલવિંદરસિંગ પર્ફોર્મ કરશે, જેને લઈને પણ દર્શકોમાં વિશેષ ઉત્સાહ છે. મેદાનમાં RCB તરફથી સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને લોરેન બેલ પર સૌની નજર રહેશે, જ્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી જેમીમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા અને સ્નેહા રાણા પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે WPLની પ્રથમ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે ટાઈટલ જીત્યું હતું. બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બની હતી અને ત્રીજી સિઝનમાં ફરી મુંબઈ ઇન્ડિયન્સે ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે ચોથી સિઝનમાં RCB બીજી વખત ટાઈટલ જીતવા પ્રયાસ કરશે, જ્યારે દિલ્હી કેપિટલ્સ પોતાનું પ્રથમ ટાઈટલ જીતવા માટે સમગ્ર તાકાત અજમાવશે. ગત વર્ષે પણ વડોદરામાં સફળ રીતે WPL મેચોનું આયોજન થયું હતું. તે સફળ આયોજનના પગલે આ વર્ષે ફરી વડોદરાને ફાઇનલ સહિત કુલ 11 મેચોની યજમાની કરવાની તક મળી છે, જે શહેર માટે ગૌરવની બાબત ગણાઈ રહી છે.




















