Home International World Bank Approves 700 Million Dollar Loan To Pakistan

વર્લ્ડ બેંક ફરી આતંકિસ્તાનની મદદે આવી : મંજૂર કરી 700 મિલિયન ડોલરની લોન, શા માટે?

વર્લ્ડ બેંક ફરી આતંકિસ્તાનની મદદે આવી
Published by: OBS Bureau
Last Updated: Dec 21, 2025, 04:00 AM IST

ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વ બેન્કે શનિવારે (20 ડિસેમ્બર, 2025) પાકિસ્તાનની આર્થિક સ્થિરતાને ટેકો આપવા અને જાહેર સેવાઓમાં સુધારો કરવાના હેતુથી 700 મિલિયન અમેરિકી ડોલરની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. આ સહાય પાકિસ્તાનના સર્વગ્રાહી વિકાસ અને ટકાઉ આર્થિક માળખું ઊભું કરવા માટે શરૂ કરવામાં આવેલી બહુ-વર્ષીય યોજનાનો એક ભાગ છે.

શું છે PRID-MPA પ્રોગ્રામ?

પાકિસ્તાની અખબાર 'ડૉન' ના અહેવાલ મુજબ, આ રકમ 'પબ્લિક રિસોર્સિસ ફોર ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ-મલ્ટિફેઝ પ્રોગ્રામેટિક એપ્રોચ' (PRID-MPA) હેઠળ ફાળવવામાં આવી છે. આ એક એવું માળખું છે જે અંતર્ગત પાકિસ્તાનને કુલ 1.35 અબજ ડોલર સુધીનું ફંડિંગ મળી શકે છે. વર્લ્ડ બેન્કના આ નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્રને નવી ઓક્સિજન મળે તેવી શક્યતા છે.

કયા ક્ષેત્રોમાં ખર્ચાશે આ રકમ?

મંજૂર કરવામાં આવેલા 700 મિલિયન ડોલરમાંથી નાણાંની વહેંચણી નીચે મુજબ કરવામાં આવશે:

  • ફેડરલ સ્તર: 600 મિલિયન ડોલર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે વાપરવામાં આવશે.

  • સિંધ પ્રાંત: 100 મિલિયન ડોલર સિંધ પ્રાંતની સ્થાનિક પહેલ અને વિકાસ કાર્યો માટે ફાળવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ વિશ્વ બેન્કે પંજાબમાં પ્રાથમિક શિક્ષણના સુધારા માટે 47.9 મિલિયન ડોલરની ગ્રાન્ટ આપી હતી.

વિશ્વ બેન્કનું નિવેદન

પાકિસ્તાન માટે વિશ્વ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર બોલોરમા અમગાબાજારે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ટકાઉ વિકાસ માટે સ્થાનિક સંસાધનોનો અસરકારક અને પારદર્શક ઉપયોગ અનિવાર્ય છે. આ ફંડિંગ દ્વારા શાળાઓ અને ક્લિનિક્સ માટે વધુ સારું ભંડોળ, ન્યાયી ટેક્સ સિસ્ટમ અને મજબૂત ડેટા આધારિત નિર્ણયો લેવામાં મદદ મળશે. આ ઉપરાંત, સામાજિક અને ક્લાયમેટ ઇન્વેસ્ટમેન્ટની સુરક્ષા કરીને જાહેર જનતાનો વિશ્વાસ મજબૂત કરવાનો લક્ષ્યાંક છે.

વિશ્વ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી ટોબિયાસ અખ્તર હકે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનની રાજકોષીય પાયાને મજબૂત કરવી એ આર્થિક સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી છે. આ સુધારાઓ સુનિશ્ચિત કરશે કે સંસાધનો સીધા જમીની સ્તર સુધી પહોંચે અને લોકોના જીવનધોરણમાં સુધારો આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now