Wildlife Tiger Rescue: ગીરમાં સિંહોના હુમલાએ લોકોમાં ચિંતા વધારી છે, ત્યારે મહારાષ્ટ્રમાંથી વન્યજીવ અને માનવ વચ્ચેના સંઘર્ષનો એક જુદો જ કિસ્સો સામે આવ્યો છે. બે લોકોના જીવ લેનારી અને મહિનાઓથી ગામલોકોમાં દહેશત ફેલાવનારી નરભક્ષી વાઘણ સામે એક મહિલા ડૉક્ટરે એવી બહાદુરી બતાવી કે આખું ઓપરેશન હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે.
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાથી એક નરભક્ષી વાઘણના આતંકને કારણે ગામલોકો ભયના માહોલમાં જીવી રહ્યા હતા. ખેતરોમાં કામ કરવા જવું હોય કે જંગલની નજીકથી પસાર થવું હોય, દરેક વ્યક્તિના મનમાં સતત ડર હતો. આ વાઘણે બે લોકોના જીવ લીધા હતા અને અન્ય કેટલાક લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. અનેક પ્રયાસો છતાં વન વિભાગને તેને પકડવામાં સફળતા મળી નહોતી. પરંતુ આખરે આ આતંકનો અંત એક મહિલા પશુચિકિત્સકે લાવ્યો. નાગપુરની વેટરિનરી ડૉક્ટર પ્રિયલ ચૌરાગડેએ અદભૂત સાહસ અને ધીરજનું ઉદાહરણ પૂરું પાડતાં લગભગ 15 કલાક સુધી પિંજરામાં રહી વાઘણની રાહ જોઈ અને યોગ્ય સમય મળતાં ટ્રેન્ક્વિલાઇઝર ડાર્ટ માર્યો. થોડા જ મિનિટોમાં વાઘણ બેભાન થઈ ગઈ અને તેને સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં આવી.
મહિનાઓથી વાઘણના ભયમાં જીવતા હતા ગામલોકો
માહિતી અનુસાર, અંદાજે અઢીથી ત્રણ વર્ષની આ વાઘણ નાગપુરના ઉમરેડ વન પરિક્ષેત્રમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત દેખાતી હતી. આ દરમિયાન તેણે 27 માર્ચે નિર્મલા ગભણે અને 6 જૂને દિગંબર પાટીલ નામના બે લોકો પર હુમલો કરીને તેમનો જીવ લીધો હતો. આ ઉપરાંત અન્ય કેટલાક લોકો પર પણ હુમલા થયા હતા. સતત વધી રહેલા હુમલાઓને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભય ફેલાયો હતો. ગામલોકોએ વાઘણને ઝડપવા માટે વિરોધ પ્રદર્શન અને રસ્તા રોકો જેવા કાર્યક્રમો પણ યોજ્યા હતા.
આ પણ વાંચો: વડોદરાને મળશે વિશ્વસ્તરીય વાઈલ્ડલાઈફ સફારી પાર્ક : 150 એકરમાં બનશે મેગા પ્રોજેક્ટ, 4,500ને મળશે રોજગારી
કેમેરા ટ્રેપથી મળી માહિતી, પછી શરૂ થયું ખાસ ઓપરેશન
વન વિભાગે વાઘણની હિલચાલ પર નજર રાખવા માટે કેમેરા ટ્રેપ અને વિવિધ સ્થળોએ ચારો મૂક્યો હતો. જોકે વાઘણે મૂકેલા ચારાને બદલે અન્ય પ્રાણીનો શિકાર કર્યો હતો. તેના લોકેશનની ચોક્કસ માહિતી મળ્યા બાદ ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઓપરેશનમાં પશુચિકિત્સક ડૉ. પ્રિયલ ચૌરાગડે અને તેમના સહયોગી પ્રતીક ઘાટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

15 કલાક સુધી પિંજરામાં રહી કરી રાહ
વાઘણને કાબૂમાં લેવાનું સૌથી જોખમી કામ ડૉ. પ્રિયલ ચૌરાગડેએ કર્યું. તેઓ પોતાના સહયોગી સાથે જંગલમાં મૂકાયેલા પિંજરાની અંદર બેસીને કલાકો સુધી વાઘણની રાહ જોતા રહ્યા. પિંજરામાંથી બહારનું દૃશ્ય ખૂબ મર્યાદિત હતું, જેના કારણે યોગ્ય સમયે નિશાન લગાવવું અત્યંત પડકારજનક હતું. તેમ છતાં જ્યારે વાઘણ ફરી પોતાના શિકાર તરફ પરત આવી ત્યારે ડૉ. પ્રિયલે ચોકસાઈપૂર્વક ટ્રેન્ક્વિલાઇઝર ડાર્ટ ફાયર કર્યો. ડાર્ટ વાગ્યાના લગભગ 15 મિનિટ બાદ વાઘણ બેભાન થઈ ગઈ અને વન વિભાગની ટીમે તેને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ લીધી.
મહારાષ્ટ્રની પ્રથમ મહિલા વેટરિનરી ડૉક્ટર તરીકે નોંધાયો સિદ્ધિભર્યો રેકોર્ડ
આ સફળ ઓપરેશન બાદ ડૉ. પ્રિયલ ચૌરાગડે મહારાષ્ટ્રની એવી પ્રથમ મહિલા પશુચિકિત્સક બની છે, જેમણે નરભક્ષી વાઘ પર સફળતાપૂર્વક ટ્રેન્ક્વિલાઇઝર ડાર્ટ ફાયર કરીને તેને બેભાન બનાવ્યો. તેમના સાહસ અને કુશળતાની સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા થઈ રહી છે. ઘણા લોકો તેમને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રની પ્રેરણાદાયી મહિલા તરીકે બિરદી રહ્યા છે.
આ પણ વાંચો: અમરેલીના ધારીના ફતેગઢ ગામમાં 7 સિંહો ઘૂસ્યા : શિકાર કરી કલાકો સુધી મિજબાની માણતા ભયનો માહોલ
હવે વાઘણની આરોગ્ય તપાસ બાદ લેવાશે નિર્ણય
બેભાન કરાયેલી વાઘણને નાગપુરના ટ્રાન્ઝિટ ટ્રીટમેન્ટ સેન્ટરમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં વાઘણ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. હવે આ વાઘણને કાયમી રીતે ક્યાં રાખવી અને તેના અંગે આગળ શું કાર્યવાહી કરવી તે અંગેનો અંતિમ નિર્ણય વન વિભાગ દ્વારા લેવામાં આવશે. બીજી તરફ, ગામલોકોએ પણ લાંબા સમય બાદ રાહતનો શ્વાસ લીધો છે અને વિસ્તારમાં ફરી સામાન્ય સ્થિતિ સર્જાવા લાગી છે.





