T20 World Cup 2026 Final: ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલાં અંબાલાલ પટેલે હવામાનને લઈને મહત્ત્વની આગાહી કરી છે. અમદાવાદમાં રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પહેલા ક્રિકેટના ચાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મેચના દિવસે આકાશ સાફ રહેવાની આગાહી કરી છે. જોકે, બીજી તરફ રાજ્યના ખેડૂતો અને સામાન્ય જનતા માટે માર્ચ મહિનામાં મોટા પલટાની ચેતવણી પણ આપવામાં આવી છે.
અમદાવાદમાં ફાઈનલ મેચ: અંબાલાલની આગાહીઃ
ક્રિકેટના દીવાનાઓ માટે અંબાલાલ પટેલની આગાહી કોઈ આશીર્વાદથી ઓછી નથી. આવતીકાલે રમાનારી ફાઈનલ મેચ અંગે તેમણે જણાવ્યું છે કે:
સવારનો સમય: વહેલી સવારે ઝાકળ પડવાની શક્યતા છે.
બપોર પછી: બપોર બાદ વાતાવરણ સંપૂર્ણપણે સાનુકૂળ અને સ્પષ્ટ બનશે.
મેચમાં વિક્ષેપ: વરસાદ કે અન્ય કોઈ હવામાનના કારણોસર મેચમાં કોઈ મોટો વિક્ષેપ આવવાની શક્યતા નથી.
આ સમાચારથી ખેલાડીઓ અને સ્ટેડિયમમાં ઉમટી પડનારા હજારો દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ફરી વળશે વાદળ: 8 માર્ચ સુધી કેવું રહેશે વાતાવરણ?
હાલમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થયો છે. જેની અસર ખાડી દેશોથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી જોવા મળશે.
આજે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
8 માર્ચ સુધી ગુજરાતમાં વાદળવાયુ અને વરસાદી માહોલ જળવાઈ રહી શકે છે, જેની અસર તાપમાન પર પણ જોવા મળશે.
14 માર્ચ પછી મોટો પલટો:
માર્ચ મહિનો માત્ર ગરમી જ નહીં, પણ કમોસમી વરસાદ અને કરા લઈને આવી રહ્યો છે. ઉનાળામાં કરા પડવા એ એક પ્રકારે વિચિત્ર પ્રકૃતિક ઘટના કહી શકાય. તેને હવામાન નિષ્ણાતો પણ એક વિષય પ્રકારના ગ્લોબલ ફેરફાર તરીકે જોતા હોય છે.
અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહીઃ
માર્ચ મહિનાના મધ્યથી એપ્રિલની શરૂઆત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. ખાસ કરીને 14 થી 18 માર્ચ દરમિયાન રાજ્યમાં બીજો પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. આ અસર હેઠળ 16 થી 20 માર્ચ દરમિયાન એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ સર્જાશે, જે ગુજરાતના હવામાનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરશે.
સૌથી મહત્વની બાબત એ છે કે 16 થી 28 માર્ચના લાંબા ગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે છે, તેમજ અમુક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા રહેલી છે. હવામાનની આ અનિશ્ચિતતા માત્ર માર્ચ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ 28 માર્ચ થી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ અને રાજ્યના સમગ્ર વાતાવરણમાં મોટા પાયે ફેરફારો જોવા મળશે, જેની સીધી અસર તાપમાન અને પવનની ગતિ પર પડી શકે છે.
ખેડૂતો માટે ચિંતાનો વિષયઃ
ઉનાળાની શરૂઆતમાં જ કરા સાથે વરસાદની આગાહીને પગલે કૃષિ જગતમાં ચિંતા પ્રસરી છે. તૈયાર પાકને નુકસાન ન થાય તે માટે વાતાવરણ વિજ્ઞાનીઓ અને ખેડૂતો આ આગાહીઓને ખૂબ ગંભીરતાથી જોઈ રહ્યા છે. હવામાનમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોએ જરૂરી તકેદારી રાખવી હિતાવહ છે.



















