રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચ્ચે, ભાજપના લોકસભા સાંસદ ડૉ. નિશિકાંત દુબેએ એક યૂટ્યુબ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યો છે કે તેમની શશી થરૂર સાથે હાલ સુધી કોઈ વ્યક્તિગત વાતચીત થઈ નથી અને ન તો પાર્ટીમાં આ મુદ્દે કોઈ ચર્ચા થઈ છે.
દુબેનું નિવેદન: “ન વાતચીત, ન ચર્ચા”
નિશિકાંત દુબેએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે:
“હું એ નહીં કહી શકું કે તેઓ ભાજપમાં આવી રહ્યા છે કે નહીં, કેમ કે મારી તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી. ન તો પાર્ટી સ્તરે આ મુદ્દે કોઈ ચર્ચા થઈ છે.”
તેમણે વધુમાં કહ્યું કે તેઓ શશી થરૂર સાથે સાંસદની આઈટી સ્ટેન્ડિંગ કમિટીમાં કામ કરતા સમયે તીવ્ર મતભેદોનો અનુભવ કરી ચૂક્યા છે.
પેગાસસ વિવાદ અને સમિતિનું રાજકીયરણ
દુબેએ આરોપ લગાવ્યો કે થરૂરે આઈટી કમિટીને સોશિયલ મીડિયા અને રાજકીય એજન્ડા દ્વારા ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને ક્લીન ચિટ મળ્યા બાદ પણ થરૂરે આ મુદ્દે સમિતિમાં રાજકીય દબાણ ઉભું કર્યું હતું, એમ તેમણે જણાવ્યું.
“એટલા મતભેદ થયા કે એક વર્ષ સુધી મેં સમિતિની બેઠકોમાં જવાનું બંધ કરી દીધું હતું,” દુબેએ ઉમેર્યું.
જાહેર થયેલી તસવીર અંગે સ્પષ્ટતા
તાજેતરમાં એક સરકારી કાર્યક્રમમાં પીએમ મોદી, શશી થરૂર અને દુબે એકસાથે જોવા મળ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અટકળો વધતી ગઈ હતી. આ અંગે દુબેએ કહ્યું કે:
“તેમણે અમેરિકા પ્રતિનિધિમંડળનો ભાગરૂપે હાજરી આપી હતી. હું અલગ કાર્યક્રમ માટે હાજર હતો. મારી તેમની સાથે ત્યાં પણ કોઈ વાતચીત થઈ નથી.”
શશિ થરૂર તરફથી મૌન યથાવત્
શશિ થરૂરે પોતાના પક્ષે હજુ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, પરંતુ રાજકીય પંડિતો તેમનાં તાજેતરના વડાપ્રધાન મોદીની પ્રશંસા કરાયેલા ટ્વીટ્સ અને વાતચીતને ભાજપ સાથે સંભવિત નજીકાવટનો સંકેત માનતા રહ્યા છે.





