ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમવિધિ દેશના ઈતિહાસના સૌથી મોટા રાજકીય અંતિમ સંસ્કાર બનવા જઈ રહી છે, જેમાં 1.5 થી 2 કરોડ લોકો સામેલ થવાનું અનુમાન છે. આ ઐતિહાસિક વિદાય સમારોહ 4 જુલાઈથી શરૂ થઈને 9 જુલાઈ સુધી ચાલશે. જોકે, સુરક્ષા એજન્સીઓએ ઇઝરાયલી હુમલાનો મોટો ખતરો વ્યક્ત કર્યો હોવાથી, ખામેનીના પુત્ર મુજતબા ખામેનીને પિતાના અંતિમ સંસ્કારથી દૂર રહેવાની કડક સલાહ આપવામાં આવી છે અને તેઓ આ પ્રક્રિયામાં સામેલ નહીં થાય.
ઈરાની નેતાઓની અપીલ અને દેશની પ્રચંડ એકતાનું પ્રદર્શન
તેહરાનના 'ગ્રાન્ડ મોસાલ્લા' સંકુલમાં ખામેનીના વિદાય સમારોહની અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પઝશકિયાન અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે તમામ દેશવાસીઓને કોઈ પણ જાતના ભેદભાવ વગર આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરી છે. ગાલિબાફે ભાવુક અપીલ કરતાં જણાવ્યું છે કે, યુવાનો અને શહીદોના પરિવારોની આ પ્રચંડ હાજરી સમગ્ર દુનિયાને એ સંદેશ આપશે કે ખામેનીના લોહીનો બદલો ચોક્કસ લેવામાં આવશે. ઈરાનની એકતા દર્શાવવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તેહરાનમાં રસ્તાઓ આંશિક બંધ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ભારતીય પ્રતિનિધિમંડળ અને વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિ
આ મહા-અંતિમ સંસ્કારમાં વિશ્વના આશરે 30 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પણ સામેલ થશે. ભારત સરકાર તરફથી કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પબિત્ર માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈનનું સત્તાવાર પ્રતિનિધિમંડળ 3 જુલાઈએ ઈરાન રવાના થશે. આ ઉપરાંત, ઈરાન દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ અને પવન ખેડાને પણ આ કાર્યક્રમ માટે ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જોકે ઈરાને યુરોપીય દેશોને આમાંથી બાકાત રાખ્યા છે.
આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી પરિવાર પર કાળનો કહેર! : હોટલની આગમાં જીવ બચાવા બાથરૂમમાં પુરાયા, છતાં પતિ-પત્ની અને દીકરીનો કરૂણ અંત
ખામેની પરિવારના 5 સભ્યોની એકસાથે દફનવિધિની વિગતો
અંતિમ સંસ્કાર પૂર્વે તેહરાનમાં પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેની સહિત તેમના પરિવારના પાંચ સભ્યોના તાબુત (શબપેટીઓ) એકસાથે મૂકવામાં આવ્યા છે. આ તાબુતોમાં ખામેની, તેમની પુત્રી, પુત્રવધૂ, પૌત્ર અને જમાઈનો સમાવેશ થાય છે, જે તમામને આ રાજકીય અંતિમ વિધિના ભાગરૂપે એકસાથે દફનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 86 વર્ષીય ખામેનીનું અવસાન અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના પ્રથમ દિવસે થયું હતું અને હવે 9 જુલાઈએ તેમના વતન મશહદમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.





