સત્તાધારી NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગેનો સસ્પેન્સ આજે મંગળવારે સમાપ્ત થઈ શકે છે. એવી ચર્ચાઓ છે કે NDA ગઠબંધન આજે ઉમેદવારનું નામ જાહેર કરવા જઈ રહ્યું છે. જોકે સરકાર કે સાથી પક્ષ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. જગદીપ ધનખડના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ચૂંટણી થઈ રહી છે. તાજેતરની બેઠક બાદ NDAએ ઉમેદવારની પસંદગીની જવાબદારી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા પર છોડી દીધી હતી.
ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે
મીડિયા અહેવાલો અનુસાર, એવી શક્યતા છે કે NDA મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની જાહેરાત કરી શકે છે. 7 ઓગસ્ટના રોજ, ગઠબંધનની બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં યોજાઈ હતી. આ પછી, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ઉમેદવાર અંગે અંતિમ નિર્ણય પીએમ મોદી નડ્ડા લેશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે.
ચર્ચા હેઠળ આ નામો
ધનખડના રાજીનામા બાદ ઘણા ઉમેદવારોના નામ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આમાં રાજ્યસભાના ઉપસભાપતિ અને જનતા દળ (યુનાઇટેડ)ના નેતા હરિવંશ સિંહ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમાવેશ થાય છે. જોકે, તેમના વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
વિપક્ષ તરફથી ઉમેદવાર કોણ હશે
સૂત્રો પાપ્ત અહેવાલો મુજબ વિપક્ષી ગઠબંધન INDIA એક સંયુક્ત ઉમેદવાર ઉભા રાખશે અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સંભવિત નામોની ચર્ચા કરવા અને તેના પર સર્વસંમતિ બનાવવા માટે વિપક્ષી પક્ષોનો સંપર્ક કરી રહ્યા છે. ખડગેએ કહ્યું કે વિપક્ષી જોડાણમાં મજબૂત લાગણી છે કે પરિણામ ગમે તે હોય, મજબૂત રાજકીય સંદેશ મોકલવા માટે વિપક્ષી પક્ષોએ સ્પર્ધામાંથી પાછળ હટવું જોઈએ નહીં. જોકે, વિપક્ષનો એક વર્ગ માને છે કે INDIA એ ભાજપ દ્વારા તેના ઉમેદવારની જાહેરાત કર્યા પછી જ તેના ઉમેદવારનો નિર્ણય લેવો જોઈએ.






