પરિવારના મુખ્ય વ્યક્તિના અવસાન બાદ સામાન્ય રીતે તેમની મિલકત, જમીન, મકાન અને અન્ય સંપત્તિના વારસા અંગે ચર્ચા શરૂ થાય છે. પરંતુ આ સાથે જ એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો થાય છે કે જો મૃતકના નામે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડનું બાકી દેવું હોય તો તે કોણ ચૂકવશે? ઘણા લોકો એવી માન્યતા ધરાવે છે કે જેમ સંપત્તિ વારસદારોને મળે છે તેમ લોનની જવાબદારી પણ આપોઆપ તેમના પર આવી જાય છે. જોકે ભારતીય કાયદો આ બાબતમાં સ્પષ્ટ અને વ્યવહારુ જોગવાઈ કરે છે.
કાયદા મુજબ, માત્ર વારસદાર હોવાના આધારે કોઈ વ્યક્તિને મૃતકની લોન પોતાની વ્યક્તિગત આવક કે સંપત્તિમાંથી ચૂકવવા માટે ફરજ પાડી શકાતી નથી. જોકે લોનની વસૂલાત કેવી રીતે થશે તે લોનના પ્રકાર અને મૃતકની મિલકતની સ્થિતિ પર આધાર રાખે છે.
સૌપ્રથમ મૃતકની મિલકતમાંથી ચૂકવાય છે દેવું
જો મૃતકે પોતાની કમાણીથી મિલકત ઊભી કરી હોય, તો તેમના અવસાન બાદ કાયદા મુજબ તે મિલકત કાનૂની વારસદારોમાં વહેંચવામાં આવે છે. હિંદુ ઉત્તરાધિકાર કાયદા મુજબ પત્ની, સંતાનો અને માતા જેવા પ્રથમ શ્રેણીના વારસદારોને તેમાં સમાન હક મળે છે.
પરંતુ મિલકતનું વિતરણ થાય તે પહેલાં મૃતકના તમામ કાયદેસર દેવાં અને બાકી લોનની ગણતરી કરવામાં આવે છે. કાયદાનો મૂળભૂત સિદ્ધાંત એવો છે કે પ્રથમ મૃતકની મિલકતમાંથી લેણદારોની બાકી રકમ ચૂકવવામાં આવે અને ત્યારબાદ બચેલી મિલકત વારસદારોમાં વહેંચવામાં આવે.
આ પણ વાંચો: EPFOના 5 મોટા બદલાવથી કરોડો કર્મચારીઓને રાહત! : હવે PF ક્લેમથી ટ્રાન્સફર સુધીનું બધું કામ થશે સરળ
પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડના દેવા અંગે શું નિયમ છે?
પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ જેવા અસુરક્ષિત (Unsecured) લોનમાં બેંક કે નાણાકીય સંસ્થા સૌથી પહેલાં મૃતકની મિલકતમાંથી બાકી રકમ વસૂલવાનો પ્રયાસ કરે છે. જો મિલકત વેચ્યા બાદ પણ સંપૂર્ણ લોનની રકમ વસૂલ ન થઈ શકે, તો બાકી રકમ માટે વારસદારોને પોતાની વ્યક્તિગત સંપત્તિ વેચવા કે પોતાની આવકમાંથી ચૂકવણી કરવા માટે કાયદેસર રીતે મજબૂર કરી શકાય નહીં.
એટલે કે, મૃતકના સંતાનો, પત્ની અથવા અન્ય વારસદારોની વ્યક્તિગત મિલકત પર માત્ર મૃતકની લોનના કારણે કોઈ સીધી કાનૂની જવાબદારી ઊભી થતી નથી.
હોમ લોન અને કાર લોનના નિયમ અલગ છે
હોમ લોન અથવા કાર લોન જેવી સુરક્ષિત (Secured) લોનમાં સ્થિતિ થોડી અલગ હોય છે. આવા કેસમાં બેંક પાસે સંબંધિત મિલકત અથવા વાહન ગીરવે રાખેલું હોય છે.
જો લોનની હપ્તાની ચુકવણી બંધ થઈ જાય અને વારસદારો હપ્તા ભરવાનું ચાલુ ન રાખે, તો બેંકને કાયદા મુજબ ગીરવે રાખેલી મિલકત અથવા વાહન જપ્ત કરીને તેની હરાજી દ્વારા પોતાની બાકી રકમ વસૂલવાનો અધિકાર હોય છે.
જો વારસદારો તે મકાન અથવા વાહન પોતાની પાસે જ રાખવા માંગતા હોય, તો તેમને લોનની બાકી રકમ ચૂકવવી પડશે અથવા નિયમિત હપ્તા ભરવાનું ચાલુ રાખવું પડશે.
આ પણ વાંચો: તમારા PF ખાતામાં 8.25% વ્યાજ જમા થયું કે નહીં? : ઘરે બેઠા આ સરળ રીતોથી તરત જ ચેક કરો EPF બેલેન્સ
સહ-ઋણધારક અને ગેરન્ટરની જવાબદારી સૌથી મહત્વપૂર્ણ
ભારતીય કાયદામાં એક મહત્વપૂર્ણ અપવાદ સહ-ઋણધારક (Co-borrower) અને ગેરન્ટર (Guarantor)ને લગતો છે. જો લોન લેતી વખતે પરિવારના અન્ય કોઈ સભ્યે સહ-અરજદાર તરીકે અથવા ગેરન્ટર તરીકે સહી કરી હોય, તો મૃતકના અવસાન બાદ પણ તેમની કાનૂની જવાબદારી યથાવત રહે છે.
એવા સંજોગોમાં બેંક બાકી લોનની વસૂલાત માટે સહ-ઋણધારક અથવા ગેરન્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. તેથી કોઈપણ લોનમાં ગેરન્ટર બનતા પહેલાં તેની જવાબદારીઓ સારી રીતે સમજવી જરૂરી છે.
આ પણ વાંચો: ડોલર આપો અને રૂપિયા લો! : RBIની નવી સ્કીમનો મોટો ફાયદો, જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર
લોન ઇન્શ્યોરન્સથી પરિવારને મળી શકે છે રાહત
ઘણા હોમ લોન અને અન્ય મોટી લોન સાથે લોન પ્રોટેક્શન ઇન્શ્યોરન્સ અથવા ક્રેડિટ લાઇફ ઇન્શ્યોરન્સ પણ લેવામાં આવે છે. જો આવી પોલિસી લેવામાં આવી હોય અને તેની શરતો લાગુ પડતી હોય, તો લોનધારકના અવસાન બાદ ઇન્શ્યોરન્સ કંપની બાકી લોનની ચુકવણી કરી શકે છે. આવી સ્થિતિમાં પરિવાર પર આર્થિક બોજો નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
તેથી લોન લેતી વખતે ઇન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ છે કે નહીં અને તેની શરતો શું છે તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.





