ITR Filing Last Date 2026: દર વર્ષે આવકવેરા રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ નજીક આવતાં એક ચર્ચા ચોક્કસ શરૂ થાય છે કે શું સરકાર આ વખતે પણ સમયમર્યાદા લંબાવશે? ઘણા કરદાતાઓ આ આશામાં છેલ્લી ઘડી સુધી રાહ જોતા રહે છે. પરંતુ આ વખતે ટેક્સ નિષ્ણાતો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) સ્પષ્ટ કહી રહ્યા છે કે માત્ર તારીખ લંબાશે એવી ધારણા રાખીને ITR ભરવામાં વિલંબ કરવો ભારે પડી શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું કહેવું છે કે, અત્યાર સુધી કેન્દ્ર સરકાર કે આવકવેરા વિભાગ દ્વારા સામાન્ય કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખમાં કોઈ ફેરફાર જાહેર કરવામાં આવ્યો નથી. તેથી જે લોકો માટે 31 જુલાઈ, 2026 અંતિમ તારીખ છે તેમણે છેલ્લી ઘડીની રાહ જોયા વિના શક્ય તેટલું વહેલું પોતાનું રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ. સમયસર ITR ભરવાથી માત્ર દંડ અને વ્યાજથી જ બચી શકાય નહીં, પરંતુ ભવિષ્યમાં અનેક નાણાકીય લાભો પણ મળે છે.
20 જુલાઈ સુધી કેટલા લોકોએ ITR ફાઇલ કર્યું?
આવકવેરા વિભાગના e-Filing પોર્ટલ પર ઉપલબ્ધ 20 જુલાઈ સુધીના આંકડા મુજબ આકારણી વર્ષ 2026-27 માટે કુલ 2,99,19,219 આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. તેમાંથી 2,83,02,881 રિટર્નનું સફળતાપૂર્વક વેરિફિકેશન થઈ ચૂક્યું છે, જ્યારે 1,73,70,255 રિટર્નની પ્રોસેસિંગ પણ પૂર્ણ થઈ ગઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે મોટી સંખ્યામાં કરદાતાઓએ સમયસર રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
31 જુલાઈ કોના માટે સૌથી મહત્વની તારીખ?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના જણાવ્યા મુજબ, જો તમારી આવક મુખ્યત્વે પગાર (Salary), પેન્શન, ઘર વેચાણ અથવા શેર બજારમાંથી થયેલા કેપિટલ ગેઇનમાંથી આવે છે, તો તમારા માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 છે. હાલ સુધી સરકારે આ તારીખમાં કોઈ વધારો જાહેર કર્યો નથી. તેથી સમયમર્યાદા લંબાશે એવી આશા રાખીને રાહ જોવી યોગ્ય નથી.
મોડું ITR ભરવાથી શું નુકસાન થઈ શકે?
નિર્ધારિત સમયમર્યાદા બાદ ITR ફાઇલ કરવાથી કરદાતાને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી પહેલાં મોડું રિટર્ન ભરવા બદલ દંડ અને વ્યાજ ચૂકવવું પડી શકે છે. ઉપરાંત જો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા મિલકતના વેચાણમાં થયેલું નુકસાન હોય તો તેને ભવિષ્યના નફા સામે એડજસ્ટ (Carry Forward) કરવાની મહત્વપૂર્ણ સુવિધા પણ ગુમાવવી પડી શકે છે.
31 ઓગસ્ટની સમયમર્યાદા કોના માટે?
જે લોકો બિઝનેસ કરે છે અને જેમના ખાતાઓ માટે ટેક્સ ઓડિટ ફરજિયાત નથી, તેમના માટે ITR-3 અથવા ITR-4 ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2026 છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આવા કરદાતાઓએ પણ છેલ્લી ઘડી સુધી રાહ જોવી જોઈએ નહીં. જરૂરી દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ, આવક-ખર્ચની વિગતો અને અન્ય જરૂરી માહિતી અગાઉથી તૈયાર રાખવી જોઈએ જેથી પોર્ટલ પર ટેક્નિકલ સમસ્યા અથવા અન્ય કારણસર મુશ્કેલી ન સર્જાય.
સમયસર ITR ભરવાના શું ફાયદા?
સમયસર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાથી માત્ર કાનૂની જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ અનેક મહત્વપૂર્ણ નાણાકીય લાભ પણ મળે છે. સમયસર ITR ભરનાર કરદાતાઓને લોન મેળવવામાં સરળતા રહે છે, કારણ કે બેંકો ITRને આવકના મહત્વપૂર્ણ પુરાવા તરીકે સ્વીકારે છે. વિદેશ પ્રવાસ માટે વિઝા અરજી દરમિયાન પણ ITR મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. ઉપરાંત સમયસર રિટર્ન ભરવાથી નાણાકીય વિશ્વસનીયતા (Financial Credibility) પણ મજબૂત બને છે.
આ પણ વાંચો: ક્રૂડ ઓઇલ પર ફરી આવી ડરાવનારી ચેતવણી : હોર્મુઝ સંકટ ચાલુ રહેશે તો 120 ડોલરને પાર જઈ શકે છે ભાવ
છેલ્લી ઘડીની રાહ ન જોવાની સલાહ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું કહેવું છે કે, દર વર્ષે છેલ્લા દિવસોમાં e-Filing પોર્ટલ પર ભારે ટ્રાફિક જોવા મળે છે, જેના કારણે ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવા સંજોગોમાં સમયસર રિટર્ન ભરવાનું ચૂકી જવાની શક્યતા વધી જાય છે. તેથી કરદાતાઓએ પોતાની આવકના પ્રકાર મુજબ લાગુ પડતી સમયમર્યાદા જાણી લેવી જોઈએ અને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને નિર્ધારિત તારીખ પહેલાં જ ITR ફાઇલ કરી દેવું જોઈએ. આ પગલું તેમને દંડ, વ્યાજ અને અન્ય કાનૂની મુશ્કેલીઓથી બચાવશે તેમજ ભવિષ્યના તમામ નાણાકીય લાભો મેળવવામાં પણ મદદરૂપ થશે.





