પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ સોમવારે, 17 ફેબ્રુઆરીએ નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરી છે.
કેરળ કેડરના પૂર્વ IAS અધિકારી જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ જ્ઞાનેશ કુમારની નિમણૂકને મંજૂરી આપી છે. વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર મંગળવાર, 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના પછી સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે, તેથી તેમને CEC બનાવવાની સંભાવના પહેલેથી જ હતી.
કોણ છે જ્ઞાનેશ કુમાર?
જ્ઞાનેશ કુમાર 1988ની બેચના IAS અધિકારી છે. તેઓ 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા હતા. જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના અધિકારી છે. તેમણે સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપી છે. તેમણે સહકારિતા મંત્રાલયમાં સચિવ તરીકે પણ સેવા આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે તેઓ ગૃહ મંત્રાલયમાં હતા ત્યારે જ્ઞાનેશ કુમારે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે તેઓ ગૃહ મંત્રાલયમાં જમ્મુ અને કાશ્મીર ડેસ્કના પ્રભારી હતા.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ
વિપક્ષના નેતા અને પસંદગી સમિતિના સભ્ય રાહુલ ગાંધીએ નવા સીઈસીની પસંદગીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ઉતાવળ અંગે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી અને અજય માકને સરકારને બેઠક મોકૂફ રાખવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી બેઠક ના થવી જોઈએ.





