જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર પાસેથી આઠ અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. આ સાથે એપ્રિલ મહિનામાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, ''પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા જેવી ઘટનાઓને અવગણી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણનને કહ્યું, "તમે પહેલગામમાં જે બન્યું તેને અવગણી શકો નહીં."
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શું કહ્યું?
દેશની સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ત્યારે આવી જ્યારે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે ચૂંટણી પછી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે, પરંતુ જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિને જોતાં, આ મુદ્દો હવે ઉઠાવવો જોઈએ નહીં. તુષાર મહેતાએ કહ્યું, "અમે ખાતરી આપી છે કે ચૂંટણી પછી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ વિસ્તારની સ્થિતિ ખાસ છે. હું સૂચનાઓ લઈશ, પરંતુ 8 અઠવાડિયાનો સમય આપું છું." વરિષ્ઠ વકીલ શંકરનારાયણે કહ્યું કે ડિસેમ્બર 2023માં કલમ 370 ને પડકારતી અરજીઓ પરના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આશ્વાસન પર આધાર રાખીને રાજ્યના દરજ્જાના મુદ્દા પર નિર્ણય લીધો ન હતો.
તેમણે કહ્યું, "તે નિર્ણયને 21 મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી." આ અરજી કોલેજ શિક્ષક ઝહૂર અહેમદ ભટ અને કાર્યકર્તા ખુર્શીદ અહેમદ મલિક દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે રાજ્યનો દરજ્જો ન મળવાથી નાગરિકોના અધિકારો પર અસર પડી રહી છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં કલમ 370 દૂર કરવાથી રાજ્ય બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ)માં વિભાજીત થઈ ગયું હતું. આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ માંગ કરી છે કે કેન્દ્ર સરકારે શક્ય તેટલી વહેલી તકે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો જોઈએ અને ત્યાં સંપૂર્ણ લોકશાહી માળખું પુનઃસ્થાપિત કરવું જોઈએ.
કોર્ટ નોટિસ જારી કરીને શું કહ્યું?
મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્રને નોટિસ જારી કરીને કહ્યું કે, આ અરજી પર સરકારનો પક્ષ સાંભળવામાં આવશે. કોર્ટે આ મામલાને 8 અઠવાડિયા પછી આગામી સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે. અગાઉ, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ 'જરૂરી સુધારો' છે, 'છૂટછાટ' નથી અને આ મુદ્દો પ્રાદેશિક હિતોથી પર છે.






